પ્રજામત

પ્રજામત

ઇડીનો સપાટો
ઇડીએ દેશભરમાં નેતાઓ સામે સપાટો બોલાવ્યો છે. વિપક્ષોએ હોબાળો મચાવ્યો છે. પરંતુ જો તમે સાચા અને ચોખ્ખા છો તો તમારે ડરવાની જરૂર નથી. નેતાઓએ ગાંધીજીના નામે લોકોને છેતરી અબજોની સંપત્તિ ગેરકાયદેસર રીતે એકઠી કરી છે. હવે પોલ ખુલી છે. મહાઆઘાડીના ગઠબંધનનો હેતુ પણ આજ હતો. ધારાસભ્યો અને સાંસદો સત્તાનો દૂરઉપયોગ કરી અઢળક નાણાં-મિલકતો ભેગી કરે છે. હવે ફસાયા છે. આવા નેતાઓને સરકાર પેન્શન આપે છે. જયારે ગરીબો ભૂખે મરે છે. સરકારે ધારાસભ્યો અને સાંસદોના પેન્શન નાબૂદ કરવા જોઇએ. જેથી દર વર્ષે ૧ લાખ કરોડ બચે. સરકારે સત્તાધારી પક્ષના નેતાઓને પણ ઇડીનો લાભ આપવો જોઇએ.
જગદીશ ડી. ઉપાધ્યાય,
નાનાબજાર, વલ્લભવિદ્યાનગર
——–
‘ભારતની આઝાદીના ૭૫ વર્ષ’
ખરેખર ગર્વની વાત છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશે આઝાદીના ૭૫ વર્ષ, ૧૫ ઑગસ્ટ, ૨૦૨૨ના દિવસે પૂર્ણ કરી રહ્યો છે.આનંદ ઉત્સવનો દિવસ છે. આપણી આઝાદી માટે લોકોએ આપેલા બલિદાનનું પરિણામ છે.‘અમૃત મહોત્સવ’ નિમિત્તે આપણે ૭૫ વર્ષમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યુંનું સરવૈયું કાઢવા કરતા હવેના વર્ષોમાં આપણે આપણા દેશને કેવી રીતે આગળ લાવી શકીએ અને દેશની યુવાપેઢીને એમની દેશ પ્રત્યેની જવાબદારી જો આપણે સમજાવી શકીએ તો અમૃત મહોત્સવથી સુવર્ણ મહોત્સવ (૧૦૦ વર્ષ)ની સફર સાચા અર્થમાં સોનાનો સૂરજ લઇને આવશે. ભારતના દરેક નાગરિકને ‘અમૃત મહોત્સવ’ની હાર્દિક શુભેચ્છા.
રાજેશ બી. ઝવેરી, મુંબઇ-૪૦૦૦૦૨.
——–
જીવનની વાસ્તવિકતા
સર્વે ભાઇઓને મારી નમ્ર વિનંતી છે કે તમો જિંદગીમાં ૬૦ વર્ષની ઉંમર સુધી પહોંચો એ પહેલા જો તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો તમારે તમારી પત્નીના જોઇન્ટ નામે એક સ્વતંત્ર ફલેટ રાખવો જોઇએ. જેથી ભવિષ્યમાં તમારા બન્નેનાં સંસારી જીવનમાં મુસિબત ન આવે. કારણકે દરેકના ઘરના સંજોગો, ખાસ કરીને પરણેલા સંતાનોમાં વિચાર કે તેમના સંજોગો કયારે બદલાય તે ખબર ન પડે. મારા આ લેખ સંયુક્ત કુટુંબમાં ભંગાણ પડાવવાનો નથી પણ અત્યારે જ્યારે હું ઘણી જગ્યાએ આવી પરિસ્થિતિ વિશે જાણું છું એટલે આ લેખ લખવાની ઇચ્છા થઇ છે. લોકોએ બદલાતા જમાનાના પ્રવાહ સાથે આટલી સાવચેતી તો રાખવી જ જોઇએ. દરેક સાથે આવી પરિસ્થિતિ નથી થતી પણ ચેતતો નર સદા સુખી.
ચંદ્રકાન્ત સી. મોદી, બોરાબજાર, ફોર્ટ
——-
રેપો રેટ/ રિવર્સ રેપો રેટ વિશે સમજ
‘આરબીઆઈએ રેપો રેટમાં કર્યો ૦.૫૦ ટકાનો વધારો!’ રેપોરેટ ૪.૯૦ ટકાથી વધીને ૫.૪૦ થયો, હોમ લોન સહિતની અનેક લોન થશે મોંઘી…! ત્યારબાદ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે!? માટે શૅરબજાર અને બૅન્કના મિત્રોનાં મોબાઇલ આવતા, ખાસ ફરમાઇશ અન્વયે જણાવું છું કે: રેપોરેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બૅન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બૅન્કોને ફાયદો થાય કારણકે તેમણે આરબીઆઇને ઓછું વ્યાજ ચુકવવું પડે. અને જો આ દર વધે તો બૅન્કોએ આરબીઆઇને વ્યાજનો ઊંચો દર ચુકવવો પડે. અસર: રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઇ શકે. ઈએમઆઈના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બૅન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઇ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બૅન્ક પર આધારિત હોય છે. રિવર્સ રેપો રેટ રિવર્સ રેપો રેટ : એટલે વ્યાજનો એ દર જે આરબીઆઇ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચૂકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઇ દેશમાં નાણાંના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
અસર: રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાંનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઇ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બૅન્કો પોતાના નાણા આરબીઆઇને ધીરે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટી શકે છે. એસએલઆર એટલે શું?: બૅન્ક જે વ્યાજદરે પોતાના પૈસા સરકાર પાસે રાખે તેને એસએલઆર કહે છે. રોકડના જથ્થાને નિયંત્રણમાં રાખવા એસએલઆરનો ઉપયોગ થાય છે. કોમર્શિયલ બૅન્કોએ સરકારને એક ચોક્કસ રકમ જમા કરાવવી પડે છે જેનો ઉપયોગ તે ઇમર્જન્સી દરમિયાન કરી શકે છે, તેને એસએલઆર કહેવાય છે.સીઆરએટલે શું?: સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો નિયમો બેન્કિંગ અંતગર્ત તમામ બેન્કોએ પોતાની થાપણનો ચોક્કસ હિસ્સો આરબીઆઇને જમા કરાવવાનો રહે છે. સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો.
એમએસએફ એટલે શું?: એસએમએફની શરૂઆત આરબીઆઇએ વર્ષ ૨૦૧૧માં કરી હતી. કોમર્શિયલ બૅન્ક એક રાત માટે એમએસએફ અંતર્ગત પોતાની જમા થાપણની એક ટકા લોન આરબીઆઇ પાસેથી મેળવી શકે છે. સુનીલ રાજેન્દ્ર બર્મન, ગોપીપુરા, સુરત.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.