પ્રજામત

પ્રજામત

અભિનંદન, મેડમ પ્રેસિડન્ટ!!
ડૉ. બાબાસાહેબ આંબેડકરના ગુરુ જયોતિબા ફૂલેની પ્રેરણાથી ક્રાંતિજયોતિ સાવિત્રીબાઇ ભારતના આદ્યશિક્ષિકા ગણાયેલ. તેથી એક આદિવાસી-વનવાસી સમૂહના જાજવલ્યમાન આપશ્રી ભારત દેશના રાષ્ટ્રપતિના સર્વોચ્ચપદે આરૂઢ થયા છો. ક્રાંતિકારી ફૂલેના શિષ્યોત્તમ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતીય સંવિધાનના માધ્યમથી સ્ત્રી-પુરુષ અસમાનતા નષ્ટ કરેલ તેથી આપમહોદયા રાષ્ટ્રપતિપદ પર બિરાજમાન થઇ શક્યા જેનો શ્રેય ભારતીય સંવિધાનનો છે.ભારતીય સંવિધાન અસ્તિત્વમાં છે તેથી ભારત દેશની આન, બાન, અને શાન ઉંચાઇ પર છે. રાન-વનમાં ભટકતી સંથાલ આદિવાસી સમાજની મહોદયા આપશ્રી સર્વોચ્ચપદે બેઠા એ જ સંવિધાનનો વિજય છે.
પ્રિન્સિ. કુંવરજી બારોટ, અંધેરી (પ).
——–
જ્ઞાનવર્ધક લેખ માટે અભિનંદન
મું.સ. તા. ૨૧/૭ ગુરુવારના રોજ ‘મુખ્બિર ઈસ્લામ’માં શ્રી અનવર વલિયાણીએ જ્ઞાનવર્ધક, ધર્મ દિશાસૂચક, દિવ્યકુરાનના સુંદર વિચારો પીરસ્યા. મરેલા માણસને રોનાર મળે છે પરંતુ જીવતાને ઓળખનાર મળતા નથી. જ્ઞાન ગતિ આપે છે, ધર્મ દિશા સૂચવે છે. આવા સુંદર વિચાર માટે અનવરભાઈ વલિયાણીને અંતરથી અભિનંદન આપું છું.તા. ૨૦/૭ બુધવાર એકસ્ટ્રા અફેરમાં ભૂપિન્દરનો ઘેઘૂર અવાજ કદી નહિ ભૂલાય. યથાયોગ્ય સ્વરાંજલિ આપી બદલ ધન્યવાદ.
સુધારો : સદ્ગત ગાયક ભૂપિન્દર કાર્ડિયાક એરૅસ્ટ નહીં પણ એટેક જોઈએ.
સુભાગ્ય પારેખ, અંધેરી (ઈસ્ટ)
———
‘ખાડાની સમસ્યા’
ઘણા વર્ષોથી મુંબઈમાં દર ચોમાસામાં ખાડાઓનું અને પાણી ભરાઈ જવાની સમસ્યા રહેલી છે. દર વર્ષે કરોડો રૂપિયા આ સમસ્યાઓ માટે વાપરવામાં આવે છે. પણ આ રૂપિયા જાય છે ક્યાં? કોઈ બતાવશે ખાડાને લીધે કેટલાયે નિર્દોષ લોકો મોતને ભેટે છે. છતાં મ્યુનિસિપાલીટીની આંખો ખુલતી નથી. હવે મ્યુનિસિપાલીટીનો કારભાર કોઈ એવી પાર્ટીના હાથમાં આવે જે આ સમસ્યાઓ તરફ પ્રાથમિકપણે ધ્યાન આપે અને તેનું નિવારણ કરે તો આ વખતે ચૂંટણી વખતે આ બાબતે ધ્યાનમાં રાખી મત આપવો જરૂરી બને છે કે જેથી વર્ષોથી ચાલતી આવતી આ સમસ્યાઓ તો હંમેશ માટે નિવારણ આવે અને નિર્દોષ લોકોની જાનહાની ન થાય.
– રાજુમાર ગાંગજી ગાલા, ઘાટકોપર (ઈસ્ટ)
——-
મુસલમાનોની સમસ્યા અને ઉપાય
ભાઈશ્રી અનવર વલિયાણીના મુંબઈ સમાચારમાં પ્રગટ થતા લેખ ખરેખર મનનીય હોય છે. મુસ્લીમ ભાઈઓના જીવનમાં ઈલ્મ અને અદબનો અભાવ છે જેને લીધે ઈસ્લામની જાહોજહાલી ભૂતકાળ બની ગઈ. મુસલમાનો કોમને પ્રગતિના પંથે લઈ જવા માગતા હોય તો તેમણે ઈલ્મ અને અદબના શિષ્ટાચારની શરૂઆત ઘરઆંગણેથી કરવી જોઈએ એ તેમની સલાહના અમલની મુસલમાન ભાઈઓએ ગંભીરતાપૂર્વક શરૂઆત કરવી જોઈએ જેમાં કેરેલાના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન, જાફર સરેશવાલા, ફીરોઝ બખ્ત અહમદ તથા તેમના જેવા સુશિક્ષિત રાષ્ટ્રપ્રેમી રાજકીય અને ધાર્મિક નેતાઓએ મદદ અને માર્ગદર્શન કરવું જોઈએ.
દેશના ભાગલા ધર્મના આધારે થયા હતા ત્યારે જેને ભારત કે પાકિસ્તાન જ્યાં રહેવું હોય ત્યાં રહેવાની છૂટ હતી ત્યારે ભારતમાં રહેલા મુસલમાનોની સંખ્યા લગભગ ૩ કરોડ હતી જે અત્યારે ૨૦ કરોડથી વધારે છે. બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરના મતે બધા મુસલમાન પાકિસ્તાન અને બધા હિંદુ ભારતમાં રહેવા જોઈતા હતા અને જો એમ થયું હોત તો બંને દેશોની અનેક સમસ્યા છે તે ઊભી થઈ જ ન હોત.
મોટાભાગનો મુસલમાન સમાજ ગરીબ, અશિક્ષિત, બેરોજગાર કેમ છે એ પ્રશ્ર્ન થવો સ્વાભાવિક છે. સામાન્ય મુસલમાનને રોટી, કપડા, મકાન, શિક્ષણ અને વ્યવસાય મળી રહે તો તે સંતુષ્ટ રહેશે પરંતુ સ્વાર્થી રાજકારણીઓ અને અન્ય તેમની ભાવનાઓને ભડકાવે છે તથા તેમને દેશની મેઈન સ્ટ્રીમ વસ્તીમાં ભળી જવાથી અડગા રાખે છે જેથી એવરેજ મુસલમાન અસુરક્ષિત અને અન્યાય થવાના નકારાત્મક વિચારોનો ભોગ બને છે. આશા રાખીએ કે સમાજને સુશિક્ષિત સાચા રાહબર મળે જે તેમના જીવનમાંથી અંધકાર દૂર કરે.
– પ્રો. અનંત ઠક્કર, મુલુંડ (વેસ્ટ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.