‘આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ?’- અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસે લગાવ્યા બેનરો

આપણું ગુજરાત

ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માની પયગમ્બર પર વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ નામના દરજીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પકડાયેલા આરોપીઓના ભાજપના નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોંગ્રેસે આ આતંકવાદી કૃત્યના આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન હોવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ‘આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ?’ના લખાણ સાથેના આરોપીઓના ભાજપના નેતાઓ સાથેના ફોટાવાળા બેનરો જોવા મળ્યા હતા.


આ પોસ્ટર શહેર યુથ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે. શહેર યુથ કોંગ્રેસે જણાવ્યું હતું કે ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરનાર આરોપીઓ અને જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ સાથેના ફોટો સામે આવ્યા છે. એટલું જ નહિ જમ્મુ કાશ્મીરમાં પકડાયેલો એક આરોપી ભાજપ આઇ ટી સેલનો હોદ્દેદાર પણ હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં રામોલ, નિકોલ, બાપુનગર, રામેશ્વર સહિતની જગ્યા ઉપર આ બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ?


નોંધનીય છે કે ભાજપે કોંગ્રેસે લગાવેલા આરોપોને પાયા વિહોણા ગણાવીને નકરી દીધા હતા. ત્યારે ગુજરાતમાં આ વર્ષના અંત વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી કોંગ્રેસ આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. આ મામલે ગુજરાત ભાજપની શું પ્રતિક્રિયા રહેશે એ જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.