વડોદરાના પ્રસિદ્ધ કમાટીબાગ ઝૂમાં 10 માર્ચે હિપોપોટેમસે ઝૂના ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં ઘાયલ ગાર્ડ રોહિત ઇથાપેનું 10 દિવસ અગાઉ મોત થયું હતું. આ ઘટના કઈ રીતે બની, તેના કારણો, આગળ ન બને તે માટે શું કરવું તે અંગે સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી એક અહેવાલ અનુસાર ઝૂ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ અને અમુક માહિતી અનુસાર ત્રણેક કારણો હોઈ શકે આ હુમલાના. જેમાં સૌથી મહત્વનું કારણ ગરમી અને ઉકળાટ હોવાનું જણાઈ રહ્યું છે.
એક કારણ અનુસાર તે દિવસે ધોમધખતા તાપમાં બે હિપોના હોજમાં ઘણું ઓછું પાણી હતું, જે ઠંડક મેળવવા પૂરતું ન હતું. હીપોના હોજની સ્વિચ પાડવાનું કામ કરતા તેના બંને કીપર રજા પર હતા. હોજની સ્વીચ ના પડાતાં ભરબપોરે બંને હીપોના શરીરે પરસેવો થતો હતો. પાણીની મોટર ચાલુ ન કરવાની હૂંસાતૂંસીમાં હોજ ભરાયો નહીં. જેથી હિપો ગરમીમાં અકળાયેલા હોવાની શક્યતા છે. અહીં એક વાત એ પણ જાણવા મળી હતી કે હિપોનો પરસેવો લાલ-ગુલાબી જેવા રંગનો હોય છે જે દૂરથી લોહી જેવો લાગે છે. આ વાતની જાણકારી તે સમયે ત્યાં હાજર સ્ટાફ આ વાતથી અજાણ હોય તેને લાગ્યું કે તેના શરીર પરથી લોહી નીકળે છે. હિપો સાથે વર્ષો રહેલા કર્મીએ જણાવ્યું કે નવા સ્ટાફે બંને હિપોને લોહી નીકળ્યું છે તેવો મેસેજ ફોટો સાથે મોકલ્યો. જે જોતાં જ ક્યુરેટર અને રોહીત ઇથાપે ઘટનાસ્થળે ગયા હતા. તે બપોરે તાપમાન 36.4 ડિગ્રી હતું. બે વ્યક્તિની અજાણી દુર્ગંધથી અકળાયેલા બે માદા હિપોએ નજીક જતા હુમલો કરતાં અન્ય ગાર્ડે બંનેને કાઢ્યા હતા. હીપોના કીપર એકને વાંદરા, બીજાને અન્ય પાંજરાના કીપર બનાવાયા છે. બંને હિપો માદા છે જે લાંબા સમયથી નર વિનાના રહેવાથી પણ તેમનું વર્તન ક્યારેક હિંસક થાય છે. આમ એક અહેવાલમાં જાણવા મળ્યું છે.
ઝૂ સાથે સંકળાયેલા તજજ્ઞ મુજબ ઝૂના મોટા પ્રાણીઓ પાસે અનિવાર્યપણે જવું પણ હોય તો વેટરનરી તબીબ અને કિપરને સાથે રાખવા પડે. નહીં તો જવું જોખમી પૂરવાર થાય છે. નિષ્ણાતોનું એમ પણ માનવાનું છે કે નાનપણથી તેની પાસે આવ્યા હોય તેને જ ઓળખે છે. જો કોઇ અજાણ્યું જાય તો હુમલો કરવાની સંભાવના વધી જાય છે. જોકે આ અંગે સત્તાવાર કોઈ અહેવાલ આવ્યો નથી, પરંતુ પ્રાણીઓને ઝૂમાં રાખવા એક અઘરું અને અનુભવ માગી લે તેવું કામ છે. આથી નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવું જરૂરી બને છે.