એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ મહારાષ્ટ્રની મુલાકાતે છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને NCPએ કમર કસી લીધી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની બેઠક યોજાશે. આ અંગે જયંત પાટીલે કહ્યું હતું કે, મરાઠવાડામાં મહાવિકાસ અઘાડી એકત્ર થવા જઈ રહી છે. અમે તમામ વિભાગોમાં બેઠકો કરીશું.
જયંત પાટીલે કહ્યું કે, જો શિંદે જૂથના ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ગેરલાયક ઠેરવવામાં આવે છે, તો શિદેન-ફડણવીસ સરકાર સત્તામાં રહી શકશે નહીં. તેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવશે.
ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે જયંત પાટીલ રાષ્ટ્રપતિ શાસન અંગે સાચા છે. સંજય રાઉતે કહ્યું છે કે જો બધુ કાયદા મુજબ થશે તો 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. ”જો એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે, તો સરકાર પડી જશે,” એમ રાઉતે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અંત આવી શકે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટ ચુકાદો આપવા જઈ રહી છે. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
આ અરજી ઉદ્ધવ ઠાકરે વતી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે. આ ધારાસભ્યોમાં એકનાથ શિંદે , ભરત ગોગાવલે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, સંજય શિરસાટ, યામિની જાધવ, અનિલ બાબર, બાલાજી કિનીકર, તાનાજી સાવંત, પ્રકાશ સુર્વે, મહેશ શિંદે, લતા સોનાવણે, ચિમનરાવ પાટીલ, રમેશ બોરનારે, સંજય કલીંગડ, સંજય રાઠવાનો સમાવેશ થાય છે.