નિવૃત્તિ પછીની સકારાત્મક પ્રવૃત્તિ: સામૂહિક ખેતીથી બનાવ્યાં પાંચ આદર્શ ગામ

પુરુષ

સાંપ્રત-અનંત મામતોરા

નિવૃત્તિ એટલે બધાં કામકાજથી મુક્ત થઈ જવાનો સમય કે મનગમતી પ્રવૃત્તિ કરીને વૃદ્ધવસ્થાને આનંદમય બનાવવાનો સમય? કાયમ પ્રવૃત્તિથી ટેવાયેલા લોકો જ્યારે નિવૃત્ત થાય ત્યારે અચાનક એક પ્રકારનો ખાલીપો અનુભવે છે. હવે શું કરીશું? એ પ્રશ્ર્ન કોરી ખાય છે. ઘણી વાર તેની માનસિક અસર પણ થતી હોય છે, પણ જો નિવૃત્તિ માટે વ્યક્તિ પહેલેથી માનસિક રીતે તૈયાર હોય અને કશુંક કરવાની ઈચ્છા હોય તો તેની આગોતરી યોજના બનાવીને ઉત્પાદક પ્રવૃત્તિમાં પોતાને પરોવી શકે છે.
આવી એક પ્રેરણાદાયક કહાણી છે નિવૃત્ત આવકવેરા અધિકારી આર. કે. પાલીવાલની, જેમણે નિવૃત્તિ પછી ભોપાલથી ચાલીસ કિલોમીટર દૂર, વીસ એકર ખેતરમાં કોમ્યુનિટી ફાર્મિંગ શરૂ કરીને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રયત્ન કર્યો છે. તેમની નોકરી ચાલુ હતી ત્યારે પણ તેઓ આદર્શ ગામ માટે કાર્યરત હતા.
આ ખેતર દોઢ વર્ષ પહેલાં કોમ્યુનિટી ફાર્મિંગની તર્જ પર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આઠ રિટાયર્ડ લોકોએ થોડી થોડી જમીન ખરીદી હતી અને સામૂહિક રીતે જૈવિક ખેતી શરૂ કરી. આજે આ ખેતરમાં અનેક મોસમી શાકભાજીઓ સાથે મસાલા, ફળ અને અન્ય પાક જૈવિક ખેતી દ્વારા ઉગાડવામાં આવે છે. અહીં ઘણા ખેડૂતો અને અર્બન ગાર્ડનર જૈવિક ખેતીની તાલીમ લેવા પણ આવે છે. અહીંયાં આઠ પરિવારોના ઉપયોગ માટે લગભગ બધા પ્રકારના પાક લેવાય છે અને પશુપાલનથી દૂધ અને ઘી જેવી જરૂરિયાત પણ પૂરી થાય છે. આઠેય પરિવારની જરૂરિયાત પૂરી કર્યા બાદ જે અનાજ, ફળો કે શાકભાજી બચે તેને વેચવામાં આવે છે.
આ બહેતરીન ખેતરને ડિઝાઇન કરવાનું શ્રેય જાય છે આવકવેરા ખાતાના નિવૃત્ત અધિકારી પાલીવાલસાહેબને. તેમણે નિવૃત્તિ પછી આ ખેતરોની પૂર્ણ જવાબદારી ઉપાડીને જૈવિક ખેતીની શરૂઆત કરી હતી. પાલીવાલસાહેબ મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગરના બરલા ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે. એટલે ખેતી તો તેમનો પરંપરાગત વ્યવસાય હતો જ. તેમણે વર્ષો પહેલાં એક નિશ્ર્ચય કર્યો હતો કે ગ્રામીણ જીવન અને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા તેઓ નિવૃત્તિ પછી ખેતીમાં જોડાઈ જશે.
તેઓ જણાવે છે, ‘હું ગાંધીવાદી વિચારધારા અને ગ્રામ વિકાસના તેમના સિદ્ધાંતોથી પહેલેથી પ્રભાવિત રહ્યો છું. આજથી પચ્ચીસ વર્ષ પહેલાં મેં સંકલ્પ કરેલો કે હું જે કોઈ શહેરમાં રહું, તેની આસપાસના કોઈ ગામને આદર્શ ગામડું બનાવવાનો પ્રયત્ન કરીશ. હું આજે જે કામ કરું છું, એ કંઈ નવું નથી. હું આ કાર્ય સાથે વર્ષોથી જોડાયેલો છું. ફરક માત્ર એટલો છે કે હવે જૈવિક ખેતી અને ગ્રામ વિકાસ માટે વધુ સમય ફાળવી શકું છું.’
અત્યાર સુધી બનાવ્યાં પાંચ આદર્શ ગામ
પાલીવાલસાહેબે જ્યારે પોતાનું શિક્ષણ પૂરું કર્યું ત્યારે તેમની પારિવારિક ખેતી તેમના મોટા ભાઈ સંભાળી રહ્યા હતા, તેથી તેમણે નોકરી કરવાનું નક્કી કર્યું. તેમ છતાં કોઈ ને કોઈ રીતે તેઓ ખેતી સાથે જોડાયેલા રહ્યા, તેથી જ્યારે તેમણે પોતાના સપનાના આદર્શ ગામ પર કામ શરૂ કર્યું ત્યારે તેમને કોઈ વાંધો નહોતો આવ્યો.
તેઓ જણાવે છે કે ‘કેન્દ્ર સરકારની નોકરીને કારણે મારી ટ્રાન્સફર દેશનાં અલગ અલગ રાજ્યોમાં થતી રહેતી હતી. હું જે શહેરમાં જાઉં ત્યાંના એક ગામને પસંદ કરતો જે વિકાસની દૃષ્ટિએ પાછળ રહ્યું હોય. ગામની પસંદમાં મારા ગાંધીવાદી મિત્રો મારી મદદ કરતા હતા.’
ગામ પસંદ કર્યા બાદ તેઓ પોતાની રજાને દિવસે ગામમાં રહીને કામ કરતા હતા. તેમણે વલસાડના ખોબા ગામ, આગ્રાના રટૌતી, હોશંગાબાદના છેડકા સહિત પાંચ ગામમાં પાયાનાં અનેક કામ કર્યાં છે.
ગાંધીજીના સિદ્ધાંતોને નજરમાં રાખીને, ત્યાં તેઓ શિક્ષા માટે લાઇબ્રેરી, મહિલાઓ માટે ગ્રામોદ્યોગ અને સફાઈ તથા પીવાલાયક પાણી જેવા મુદ્દાઓ પર કામ કરતા હતા. આ બધાં કામ તેઓ પોતાની અંગત જવાબદારી સમજીને કરે છે. તેઓનું માનવું છે કે દરેક વ્યક્તિએ પોતાના કામમાંથી સમય કાઢીને સમાજના ઉત્કર્ષ માટે કશુંક કરવું જ જોઈએ.
જ્યાં રહ્યા ત્યાં શાકભાજીઓ ઉગાડ્યાં
ખેતી પ્રત્યેના પ્રેમને કારણે તેઓ જ્યાં રહ્યા ત્યાં શાકભાજીઓ ઉગાડતા રહ્યા. આવકવેરા વિભાગમાં કામ કરતા હોવાથી તેમને મોટું બગીચાવાળું ઘર રહેવા મળતું હતું. ત્યાં તેઓ પરિવાર
માટે જરૂરી દાળ-ચોખા તો નહિ, પણ ફળ અને શાકભાજી
ઉગાડતા હતા.
જૈવિક ખેતીની ખૂબીઓ જાણ્યા પછી, પોતાની પારિવારિક ખેતીમાં પણ જૈવિક ખેતીની શરૂઆત તેમણે કરાવી. હવે તેઓ પોતાના સામૂહિક ખેતરમાંથી વધુ ને વધુ શહેરી લોકોને કિચન ગાર્ડન બનાવવાની પ્રેરણા આપે છે. પોતાના ફાર્મ પર તેમણે ડોર્મેટરીની વ્યવસ્થા પણ કરી છે, જેથી કોઈ ત્યાં રહીને ખેતીની તાલીમ લેવા ઈચ્છે તો રહી શકે.
નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિમય રહેવું અને તેમાં પણ સમાજને ઉપયોગી કર્યો કરવાં અને તે પણ પાછું પર્યાવરણને અનુકૂળ રહીને કરવું. આવાં એક કરતાં વધુ પ્રેરણાદાયક કર્યો એકસાથે કરીને પાલીવાલસાહેબ જેવા વરિષ્ઠો યુવાનોને પ્રેરણાની સાથે સમાજ માટે જીવવાનો અદ્ભુત સંદેશ પણ આપે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.