ગયા અઠવાડિયે પોરબંદરના દરિયાકાંઠેથી 22 ડોલ્ફિન અને ચાર શાર્કના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં શાર્ક માછલીના ગેરકાયદેસર વેપારના રેકેટનો પર્દાફાશ થયો છે. ચીન અને અન્ય કેટલાક દક્ષિણ એશિયાના દેશોની પ્રીમિયમ રેસ્ટોરન્ટમાં પીરસતા સૂપને સ્વાદિષ્ટ બનાવવા અહીંથી પકડાયેલી શાર્ક માછલીના ફિન્સમાંનો ઉપયોગ કરવામાં આવે છે.
પોરબંદરમાં પકડાયેલા 10 માછીમારોની પૂછપરછમાં જાણવા મળ્યું કે ડોલ્ફિનનો ઉપયોગ શાર્કને ફસાવવા માટેના ચારા તરીકે કરવામાં આવતો હતો. શાર્કને પકડીને તેના ફિન્સ નિકાસ માટે કાપી લેવામાં આવતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ગેરકાયદે વેપાર મોટાભાગે દક્ષિણ ભારતમાંથી શ્રીલંકા, હોંગકોંગ અને સિંગાપોર મારફતે કરવામાં આવતો. તામિલનાડુ અને કેરળના દરિયાકાંઠે શાર્કની સંખ્યા ઓછી થઇ જવાથી માછીમારો ગુજરાત તરફ આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય શાર્કના ફિન્સની કિંમત 15,000 રૂપિયા અને 20,000 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. માછીમારો શાર્કના ફિન્સ કાપીને લોહી વહેતી હાલતમાં મારવા માટે દરિયામાં માટે છોડી દેતા હતા. વર્ષ 2015માં ભારતે શાર્ક ફિન્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. માત્ર ચીન જ નહીં, અમેરિકા અને યુરોપમાં પણ શાર્ક ફિન્સની માંગ છે.
ડોલ્ફિનનો શિકાર કર્યા પછી માછીમારો તેનું માંસ નેટ રાખી દરીયાના પાણીમાં નાંખે છે. ડોલ્ફિન શાર્કનો પ્રિય ખોરાક હોવાથી શાર્કને બોટ નજીક આવે છે. શાર્કને મારવા માટે, માછીમારો પ્રતિબંધિત હાર્પૂનનો ઉપયોગ કરે છે.
વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “માછીમારોએ ડોલ્ફિનના માંસનો શાર્કના ચારા તરીકે ઉપયોગ કરતા હોવાનું કબૂલ્યું હતું. જો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફિન્સની હેરફેર સાથે તેમનો કોઈ સીધો સંબંધ નથી. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ભારતીય સરહદ પાર કરીને આ ફિન્સ કોને સપ્લાય કરવામાં આવે છે.”