एक प्यारा-सा गाँव, जिसमें पीपल की छाँव…
छाँव में आशियाँ था, एक छोटा मकां था
छोड़ कर गाँव को, उस घनी छाँव को
शहर के हो गये हैं, भीड़ में खो गये हैं
સુદર્શન ફાકિરે આમ તો આ કવિતા ઘણા વર્ષો પહેલા લખી છે, પરંતુ લોકોની શહેરો ભણી દોટ અને આંધળું શહેરીકરણ તે સમય કરતા અનેકગણું વધી ગયું છે. હવે તો દેશ છોડી અન્ય દેશમાં જવાની ઘેલછાએ માઝા મૂકી છે ત્યારે એક અહેવાલ અનુસાર છેલ્લા વીસેક વર્ષમાં દસ ટકા કરતા પણ વધારે લોકો ગામડા છોડી શહેરોમાં વસી રહ્યા છે. શહેરીજીવન જીવવાની ઝંખના સાથે રોજગાર ખૂબ જ મહત્વનું કારણ છે, પરંતુ એ સાથે ગામડામાં સામાજિક જીવનમાં આધુનિકતા ન હોવાથી અને આજે પણ પ્રમાણમાં રૂઢિચુસ્ત માહોલ હોવાથી પણ યુવાનો શહેર ભણી વાટ પકડી રહ્યા છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021-22ની રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે. જેમાં ગુજરાતમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6 ટકાનો વધારો થયો છે. 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6 ટકા હતું જે વધીને 2022 જુલાઇ સુધીમાં 48.4 ટકા પહોંચી ગયું છે. 2001માં શહેરી વસતીનું પ્રમાણ 37.4 ટકા હતું. એટલે કે છેલ્લાં 20 વર્ષમાં શહેરી વસતીના પ્રમાણમાં 11 ટકાનો વધારો થયો છે. 2011માં રાજ્યમાં શહેરી વસતીની સંખ્યા 2.57 કરોડ હતી જે વધીને 2022માં 3.43 કરોડ થઇ છે જેને કારણે ગ્રામીણ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતની કુલ વસતીનો આંકડો 7 કરોડને પાર થઇ ગયો છે.
દેશના રાજ્યોમાં ગુજરાત રાજ્ય વસતિની દૃષ્ટિએ 10મો ક્રમ જ્યારે વસતિગીચતાની દ્રષ્ટિએ 14મો ક્રમ ધરાવે છે. ગુજરાત દેશના કુલ વિસ્તારના 5.97 ટકા વિસ્તાર અને દેશની કુલ વસતિના 4.99 ટકા વસતિ ધરાવે છે. રાજ્યની કુલ વસતિના 29 ટકા વસતી અમદાવાદ, સુરત અને વડોદરા મળી ત્રણ જિલ્લાઓમાં છે. કુલ વસતિના 50 ટકા વસતી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, ભાવનગર અને જૂનાગઢ મળી કુલ 7 જિલ્લાઓમાં છે. અમદાવાદમાં રાજ્યની સૌથી વધારે વસતિ છે. બીજા નંબરે સુરત છે તો ડાંગ જિલ્લો સૌથી ઓછી વસતિ ધરાવે છે. રાજ્યનો કુલ વિસ્તાર 1.96 લાખ ચોરસ કિલોમીટર છે.
ગુજરાતના શહેરોમાં દર ચોરસકિલોમીટરે 4637 લોકો રહે છે જે મહારાષ્ટ્રમાં 6692, મધ્યપ્રદેશમાં 3207, કર્ણાટકમાં 4947, રાજસ્થાનમાં 3216 લોકો રહે છે. જ્યારે ગામડામાં ગુજરાતમાં દર ચોરસકિલોમીટરે 194, મહારાષ્ટ્ર 217 મધ્યપ્રદેશમાં203, કર્ણાટકમાં203 તેમ જ રાજસ્થાનમાં 176 લોકો રહે છે, તેમ અહેવાલ જણાવે છે.