હરિશંકરજીએ સમાજના દરેક દૃષ્ટિકોણને વ્યંગના સ્વરૂપે પ્રસ્તુત કર્યું: દયાશંકર પાંડે
મુંબઇ: મુંબઇ સમાચાર નાટ્યપર્વ-૨૦૨૩ અંતર્ગત ‘ઊંચા માયલો’ પરોગરામ ૨૦૨૩ નાટ્યપર્વમાં તદ્ન નવા પ્રકારના આઠ નાટકમાંનું એક નાટક ‘પોપકોર્ન વિથ પરસાઇ’ આજે પૃથ્વી થિયેટર ખાતે ભજવાશે. દયાશંકર પાંડે અભિનિત, મનોજ શાહ દિગ્દર્શિત અને નિલય ઉપાધ્યાય લિખિત આ નાટક હરિશંકર પરસાઇના વ્યંગ લેખન પરથી પ્રેરિત છે.
હરિશંકર પરસાઇ માટે એવું કહેવાય છે કે તેઓ અને રજનીશજી સાથે ભણતા હતા અને હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ ગાયક કિશોરકુમારના શિક્ષક પણ હતા. રજનીશજી આત્માનો પ્રકાશ ફેલાવવા નિકળી પડયા અને હરિશંકર સાહિત્યનો પ્રકાશ ફેલાવવા નીકળી પડયા. પહેલાનાં જમાનામાં વ્યંગ લખતા લેખકોને જોઇએ એવું સન્માન મળતું નહોતું, પરંતુ હરિશંકરજીએ વ્યંગને એક આયામ આપ્યું અને લોકોને સમજાયું કે વ્યંગ લખવું એ આસન નથી.
આ નાટકના અભિનેતા દયાશંકર પાંડે છે. જે ‘તારક મહેતા…’ સિરિયલમાં ચાલુ પાંડેના પાત્રથી લોકોમાં પ્રસિદ્ધ છે. તેઓએ આ નાટક વિશે ખૂબ જ રસપ્રદ વાતો કહી. તેમણે કહ્યું કે આ નાટક હિન્દીના પ્રસિદ્ધ વ્યંગકાર હરિશંકર પરસાઇજીના લેખન પર આધારિત છે. હું તેમનો ખૂબ જ મોટો પ્રશંસક છું. તેઓએ તેમના લેખન દ્વારા સમાજના દરેક દૃષ્ટિકોણને વ્યંગના સ્વરૂપે પ્રસ્તુત કર્યું હતું. એ વિશે મેં મનોજભાઇ શાહ (દિગ્દર્શક)ને વાત કરી. એમણે હરિશંકરજીના લેખનો વાચ્યાં બાદ ‘પોપકોર્ન વિથ પરસાઇ’ પરથી નાટક બનાવવાનું નક્કી થયું. જેને નિલયભાઇ (લેખક)એ ખૂબ જ સરસ રીતે
લખ્યું છે.
આ નાટકનું નામ અટપટું છે. એના પર પ્રકાશ પાડતા તેઓએ કહ્યું કે હરિશંકરજીનો મુખ્ય કોન્સેપ્ટ એ હતો કે જેમ મકાઇના દાણા એકવાર ધાણી (પોપકોર્ન) બન્યા બાદ ફરીથી દાણા થઇ શકતા નથી. એજ રીતે તમને ઘણા લોકો ઘણીવાર પોપકોર્ન (મૂર્ખ) બનાવી જાય પછી એમાં કશું થઇ શકતું નથી. આ વ્યંગને લેખકે સરસ રીતે લખ્યું છે અને દિગ્દર્શકે સરસ રીતે આલેખ્યું છે.
આ વ્યંગ નાટક ૨૦૧૪માં એનસીપીએ નાટ્ય સ્પર્ધામાં ભજવાયું હતું. એના ઘણા શો થયા હતા. બાદમાં કોવિડ પ્રતિબંધોને કારણે શો બંધ થઇ ગયા હતા. આમાં પાંડેજી અલગ-અલગ પાત્રો ભજવે છે. હવે, જ્યારે ફરીથી આ નાટકના શો ‘મુંબઇ સમાચાર નાટ્યપર્વ-૨૦૨૩’માં ભજવવાનો હોવાથી અભિનેતા ખૂબ જ ઉત્સાહિત છે. નાટકની એક લાઇનનો ઉલ્લેખ કરીને અભિનેતા જણાવે છે કે આમાં સમાજના દરેક લોકોની વાત છે, જે આપણું પોપકોર્ન બનાવે છે. નાટકમાં એક લાઇન છે કે મહાન ફિલોસોફર રુસોએ કહ્યું છે કે દુનિયામાં ઘર, સમાજ, ધર્મ અને સરકાર એ ચાર લોકો છે જે આપણું પોપકોર્ન બનાવે છે. આ નાટકમાં સ્વચ્છ કોમેડીની સાથે વ્યંગ પણ છે, તેથી દરેક વર્ગના પ્રેક્ષકોને ગમશે. હરિશંકરજીએ કોઇ ભારેખમ શબ્દો ન વાપરીને બધાને સમજાય એવી સરળ ભાષામાં લખ્યું હતું.
આ નાટકમાં દયાશંકર પાંડેની અભિનય ક્ષમતાનો વિસ્તાર જોવા મળે છે, કારણે કે આમાં તેઓ અઢારથી વીસ પાત્રો ભજવે છે. તેઓ ગુજરાતી ભાષાને સારી રીતે બોલી શકે છે અને સારી રીતે વાંચી પણ શકે છે. જેના કારણે આ ગુજરાતી નાટક ભજવવું તેમના માટે આસાન બની ગયું.
ગુજરાતી નાટકના પ્રેક્ષકો અને હિન્દી નાટકના પ્રેક્ષકોમાં ફરક છે. એ વિશે તેઓ જણાવે છે કે ગુજરાતી પ્રેક્ષક પૈસા ખર્ચીને નાટક જોવા જાય છે, જ્યારે હિન્દીના પ્રેક્ષકો મફતના પાસ શોધતા હોય છે.
આ નાટક ચાર ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ પૃથ્વી થિયેટર ખાતે સાંજે છ કલાકે ભજવાશે.