દેશમાં ગરીબો સ્વપ્ન સાકાર કરી શકે છે: રાષ્ટ્રપતિ

દેશ વિદેશ

શપથગ્રહણ: દેશના પંદરમા રાષ્ટ્રપતિપદે દ્રૌપદી મુર્મૂને શપથ લેવડાવતા દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણ. (પીટીઆઈ)

દ્રૌપદી મુર્મૂએ હોદ્દાના શપથ લીધા

નવી દિલ્હી: ભારતના પંદરમા રાષ્ટ્રપતિ બનેલાં દ્રૌપદી મુર્મૂએ સોમવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા બાદ કરેલા પ્રવચનમાં જણાવ્યું હતું કે ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલી છોકરી દેશના રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે, એ જ સાબિત કરે છે કે દેશમાં ગરીબોનું સ્વપ્ન પણ સાકાર થાય છે. એક પ્રગતિશીલ રાષ્ટ્રનું નેતૃત્વ સંભાળતાં હું ગર્વની લાગણી અનુભવું છું.
સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ એન.વી.રમણ્ણાએ શપથ લેવડાવ્યા બાદ પ્રથમ સંબોધનમાં દ્રૌપદી મુર્મૂએ તેમને રાષ્ટ્રપ્રમુખના પદે ચૂંટવા બદલ તમામ સંસદ સભ્યો અને વિધાનસભ્યોનો આભાર માન્યો હતો. તેમણે દેશના ઝડપી અને સર્વસમાવેશક વિકાસ માટે ઝઝુમવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. ભાષાઓ, ધર્મો, આહારના પ્રકારો અને રીતરસમો તેમ જ રિવાજોનું વૈવિધ્ય અપનાવીને આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની દિશામાં અગ્રેસર રહ્યા છીએ. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓના પ્રદાન અને સહભાગિતા વધી રહ્યા છે, એ સંજોગોમાં તમામ બહેનો અને દીકરીઓના સશક્તિકરણની આવશ્યકતા છે.
દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે, એ મહત્ત્વના અવસરે આ હોદ્દો સ્વીકારીને હું ધન્યતા અનુભવું છું. અમૃત કાળની ઉજવણીમાં દેશ નવા વિચારોથી સુસજ્જ થયો છે. સંસદીય લોકશાહીના ૭૫ વર્ષમાં ભારતે સહભાગિતા અને સર્વસંમતી દ્વારા પ્રગતિનો સંકલ્પ બળવાન કર્યો છે. કરોડો ભારતીયોએ મારામાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. આ હોદ્દા સુધી પહોંચી, એ મારી અંગત સિદ્ધિ નથી, દેશના ગરીબોની સિદ્ધિ છે. ગરીબ આદિવાસી પરિવારની ક્ધયા સર્વોચ્ચ બંધારણીય પદે બિરાજી શકે, એ આ દેશની લોકશાહીની શક્તિ છે. રાષ્ટ્રપતિના હોદ્દા પર દેશને આઝાદી મળ્યા પછી જન્મેલી પ્રથમ વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કરતાં ૬૪ વર્ષીય દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે દેશના ગરીબો, પછાત સમુદાયો, દલિતો અને આદિવાસીઓ મારામાં તેમનું પ્રતિબિંબ જૂએ છે, એને કારણે હું અત્યંત સંતોષનો અનુભવ કરું છું. (એજન્સી)
શિક્ષકે મારું નામ દ્રૌપદી રાખ્યું: મુર્મૂ
નવાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તેમનું અસલ સાંથાલી નામ ‘પુટિ’ હતું, પરંતુ એક શિક્ષકે ‘દ્રૌપદી’ નામ આપ્યું હતું. એ શિક્ષક મારા વતન મયૂરભંજના નહોતા. તેઓ અન્ય જિલ્લાના હતા. સાંથાલી સંસ્કૃતિમાં નામો પર પૂર્ણવિરામ મુકાતું નથી. ક્ધયાને દાદીનું અને છોકરાને દાદાનું નામ અપાય છે. શાળા-કૉલેજમાં મારી અટક તુડુ હતી, પરંતુ બૅન્ક અધિકારી શ્યામચરણ તુડુ જોડે પરણ્યા પછી ‘મુર્મૂ’ની ઓળખ ઉમેરાઈ હતી. (એજન્સી)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.