વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી
મુંબઈ ધુમ્મસના ઓછાયામાં : છેલ્લા થોડા દિવસથી મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણે માઝા મૂકી છે. ધુમ્મસને કારણે મુંબઈ ઝેરી ગૅસનું ચેમ્બર બની ગયું છે. ભારે ધુમ્મસને પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. (અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા માટે આગામી દિવસો વધુ જોખમી સાબિત થવાના છે. મુંબઈની હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. મુંબઈની હવા પાટનગર દિલ્હીની માફક ઝેરી બની રહી છે. મંગળવારે મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૩૦૯ જેટલો ઊંચો નોંધાયો હતો.
મુંબઈમાં દિવસેને દિવસે એર ક્વોલિટી ઈન્ડેક્સ નવી સપાટી પાર કરતો જાય છે, જેમા સોમવારે ૨૯૭ એક્યુઆઈ હતો. વાતાવરણ વધુ ઝેરી હવાને કારણે લોકોના આરોગ્ય પર જોખમ વધી રહ્યું છે એવું નિષ્ણાતાએ જણાવ્યું હતું.
મુંબઈની હવા વધુ પ્રદૂષિત થઈ રહી છે. પ્રદૂષણ વધવાની સાથે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી અને અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા વકરી હતી. વાતારણમાં પ્રદૂષણ વધવાની સાથે જ મુંબઈગરા અનેક રોગોના બીમારના શિકાર બની રહ્યા છે. ઝેરી વાતાવરણને કારણે અનેક લોકોને શ્ર્વાસોશ્ર્વાસની બીમારી પણ થઈ રહી છે. મંગળવારે મુંબઈનો એક્યુઆઈ ૩૦૯ જેટલો ઊંચો નોંધાયો હતો, જે લગભગ દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ ૩૨૯ની નજીક હતો.
મુંબઈમાં મંગળવારે સૌથી વધુ પ્રદૂષણ મઝગાંવમાં રહ્યું હતું. અહીં એક્યુઆઈ ૩૮૫ જેટલો ઊંચો રહ્યો હતો. કોલાબામાં ૩૦૬, વરલીમાં ૨૦૧, બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી) ૩૨૮, ચેંબુર ૩૪૭, અંધેરી ૨૨૮, ભાંડુપ ૩૦૦, મલાડમાં ૩૨૨, બોરીવલીમાં ૨૦૮ જેટલો ઊંચો
નોંધાયો હતો.