અમદાવાદના ગોતામાં પોલીસકર્મીનો પરિવાર સાથે સામુહિક આપઘાત, પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે 12માં માળેથી કુદકો માર્યો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં(Vastrapur police station) ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલે પરિવાર સાથે 12માં માળેથી કુદી જીવન ટૂંકાવી લેતા ચકચાર ફેલાઈ ગઈ છે. ગત મોડી રાત્રે કોન્સટેબલ કુલદીપસિંહ યાદવે(Kuldipsinh Yadav) ગોતા ખાતેના તેમના 12મા માળે આવેલા ફ્લેટ પરથી તેમની પત્ની અને ત્રણ વર્ષની બાળકીને સાથે કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. આ અંતિમ પગલું ભરાવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસ કોન્સટેબલ કુલદીપસિંહ યાદવ છેલ્લા ત્રણ વર્ષથી શહેરના ગોતા વિસ્તારના વિશ્વાસસિટીમાં આવેલા દિવા હાઇટ્સ નામની બહુમાળી ઇમારતમાં રહેતા હતા. ગત રાતના 1 વાગ્યાની સુમારે કુલદીપસિંહ અને તેમની પત્ની રિધ્ધીએ ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી સાથે 12માં માળેથી કૂદકો માર્યો હતો. પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારના મૃત દેહનું સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
દિવા હાઇટ્સમાં રહેવાસીના જણાવ્યા પ્રમાણે, આ કુલદીપસિંહ પરિવાર સાથે આશરે બેથી ત્રણ વર્ષથી અહીં રહેતા હતા. રાતે 1.13 મિનિટે પહેલા મહિલા નીચે પડ્યા જેની દસેક સેકન્ડ બાદ બાળકીને સાથે રાખીને પોલીસકર્મી પણ પળ્યા હતા. રાતે બે વાગે ચોકીદાર જગાડવા આવ્યો અને તેણે જણાવ્યુ કે, નીચે ત્રણ લાશો પડી છે.

પોલીસ કોન્સટેબલ કુલદીપસિંહ યાદવ

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓને ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. સોસાયટીના રહીશો અને પરિવારના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી.

આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ તંત્રમાં આઘાતની લાગણી છવાઈ ગઈ છે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.