પુરાવા એકઠા કરવા પોલીસની ટીમ તપાસ માટે રાજસ્થાન રવાના

આમચી મુંબઈ

અંધેરીની ગુજરાતી કિશોરીની હત્યા

બંને આરોપીને બારમી સુધીની પોલીસ કસ્ટડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીની ગુજરાતી કિશોરી વંશિકા રાઠોડની હત્યાના કેસમાં પાલનપુરથી પકડાયેલા બંને આરોપી સંતોષ મકવાણા અને તેના મિત્ર વિશાલ અનભવનેને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને ૧૨ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. ગુનો આચર્યા બાદ બંને આરોપી રાજસ્થાન, વૈષ્ણોદેવી, વડોદરા તથા સુરતમાં વિવિધ સ્થળે સંતાઇ ગયા હતા. આથી પોલીસ ટીમ વધુ તપાસ માટે રાજસ્થાન રવાના થઇ હતી.
વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કૈલાસ બર્વેએ જણાવ્યું હતું કે આરોપી રાજસ્થાનમાં વિવિધ સ્થળે ગયા હોવાથી આ અંગે તપાસ કરવા પોલીસ ટીમને રાજસ્થાન રવાના કરવામાં આવી છે. બંને આરોપીની અમે પૂછપરછ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે અંધેરીમાં રહેતી વંશિકા ૨૫ ઓગસ્ટે સ્કૂલે જવા નીકળી હતી અને બાદમાં ઘરે પાછી ફરી નહોતી. આથી પરિવારજનોએ અંધેરી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ૨૬ ઓગસ્ટે નાયગાંવ સ્થિત પરેરાનગર વિસ્તારમાં બ્રિજ ઝાડીઝાંખરામાં બેગમાંથી મળી આવ્યો હતો. જુહુ વિસ્તારમાં રહેતા અને વંશિકાનો પીછો કરતાં પકડાયેલા મકવાણાને વંશિકાની માતા અને ભાઇએ લાફા માર્યા હતા. આથી તે ગિન્નાયો હતો અને તેણે મિત્ર વિશાલની મદદથી વંશિકાની હત્યાની યોજના બનાવી હતી. દરમિયાન ૧૫ ઓગસ્ટે વિશાલે તેની માતાનું મંગળસૂત્ર ચોર્યું હતું, જે રૂ. બે લાખમાં વેચી દીધું હતું. ગુનો આચર્યા બાદ તેઓ વિવિધ જગ્યાએ ગયા હતા, જ્યાં તેમણે એ નાણાં વાપર્યાં હતાં.પોલીસના જણાવ્યા અનુસાર વંશિકાની હત્યા કર્યા બાદ આરોપીઓ મૃતદેહ ધરાવતી બેગ સાથે રિક્ષામાં વિલે પાર્લે સ્ટેશને ગયા હતા, જ્યાંથી ટ્રેન પકડીને તેઓ નાયગાંવ સ્ટેશને આવ્યા હતા, જ્યાં તેમણે ઝાડીઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આરોપીઓ ત્યાર બાદ વસઇ આવ્યા હતા, જ્યાં તેમણે નવાં કપડાં ખરીદ્યાં હતા અને પોતાના મોબાઇલ બંધ કરી દીધા હતા. આરોપીઓએ પાલનપુરમાં પોતાના મોબાઇલ અને ઘટનાને દિવસે તેમણે પહેરેલાં કપડાં ફેંકી દીધાં હતાં, એમ પણ પોલીસે જણાવ્યું હતું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.