ખોટી લત સંગત કે ઈચ્છા માણસની પડતી નોતરે છે, બુદ્ધિ અને નૈતિકતા ભ્રષ્ટ થાય ત્યારે માણસ પતન તરફ જાય છે અને પરિવારને પણ મુસીબતમાં મૂકી દે છે. આવી જ ઘટના અમદાવાદ નજીક આવેલા ભૂવાલડી સીમમાં અંદાજે વીસેક દિવસ પહેલા બની હતી. આ બે હત્યાના કેસમાં આરોપી ઘટનાસ્થળની નજીક જ હતો અને પોલીસ તેને પહેલા પણ મળી ચૂકી હતી, પરંતુ 18 દિવસ સુધી ગામ ખૂંદી વળ્યા બાદ અને 500 જેટલા લોકોની પૂછપરછ બાદ પોલીસે કેસ ઉકેલ્યો અને આખરે આરોપીએ ગુનો કબલ્યો ત્યારે પોલીસે હાશકારો અનુભવ્યો છે.
અહીં રહેતા 42 વર્ષીય ગીતાબેન અને 62 વર્ષીય મંગીબેનના લોહીલુહાણ મૃતદેહ ગામની બાજુએ આવેલી કોતરમાં પડ્યા હતા. મંગીબેન ઘરે ન આવતા દીકરો અને પિતરાઈ માને શોધવા ગયા. મા રોજ આ કોતર પાસે લાકડા વીણવા આવતી હોવાથી તેઓ ત્યાં પણ શોધવા ગયા ને બે લાશ જોઈ. આખું ગામ ભેગું થઈ ગયું અને પોલીસ બોલાવી. પોલીસે પૂછપરછ કરી, પણ બન્ને મહિલાઓ સાવ સમાન્ય પરિવારની હતી. કોઈ ઝગડો કે અણબનાવ બન્યો ન હતો. પરિવાર- મિલક્ત કે ઘરેલું મતભેદ હોવાનું કંઈ ખૂલ્યું ન હતું. પોલીસે આસપાસના ગામ, મહિલાઓના પિયર-સાસરી પક્ષના સગાસંબંધી બધાની પૂછપરછ કરી પણ કોઈ એવું કારણ મળ્યું નહીં કે જેથી હત્યારાની અણસાર મળી શકે. મૃતદેહ પરના દાગીના પણ એમ ના એમ હતા એટલે લૂંટનો ઈરાદો હોવાનું પણ જણાતું ન હતું. તપાસ દરમિયાન પોલીસને એક વાત જાણવા મળી રહી કે આ કોતરને અડીને રોહીત નામનો એક શખ્સ રહે છે, તેનું ખેતર અહીં છે અને તે કોતરોમાં ફરતો હોય છે. દારૂ પણ પીવે છે ને ઘણીવાર કોતરમાં આવતા લોકો સાથે તેની બોલાચાલી થઈ છે. પોલીસે તેની પૂછપરછ કરી, પણ તે જવાબ આપી દેતો અને નીકળી જતો. તે બાદ પોલીસનો શક ઘેરાતા તેની સઘન પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલાત કરી. તેના કહેવા અનુસાર આ બન્ને મહિલાઓ અહીં લગભગ રોજ લાકડા કાપવા આવતી. એકવાર તે બન્ને એકલી જ હતી ત્યારે રોહિત ત્યાં ગયો અને ગીતા સામે તેણે અજુગતી માગણી કરી. જો અહીં લાકડા કાપવા આવવું હોય તો મારી સાથે શરીરસંબંધ બાંધવો પડશે, તેમ તેણે ગીતાને કહેતા ગીતા રોષે ભરાઈ હતી અને ગામલોકોને બોલાવી રોહિતને ઉઘાડો પાડવાની ધમકી આપી હતી. રોહિતના હાથમાં ત્યારે ધારીયું હતું. રોહિતે તે ગીતાના ગળા પર માર્યું. ગીતા લોહીલુહાણ હાલતમાં ગામ તરફ દોડવા ગઈ તો રોહિતે તેને વારંવાર ધારિયાથી મારી ઘાયલ કરી નાખી. આ બધુ મંગીબેન જોઈ ગયા હોવાથી રોહિતે તેમને પણ પતાવી નાખ્યા. ત્યાંથી નીકળી રોહિત ઘરે ગયો. પત્નીએ લોહીવાળુ ધારિયું જોતા પૂછ્યું તો રોહિતે તેને સસલું માર્યું છે તેમ કહી ચૂપ કરી દીધી અને કૂવા પાસે બેસી દોઢેક કલાક નાહતો રહ્યો. કપડા બદલી ફરી પાછો સામાન્ય થઈ રહેવા લાગ્યો.
આ હકીકત જાણી ગ્રામજનો અને બન્ને પરિવારના લોકો સ્તબ્ધ થઈ ગયા. હત્યારો નજરની સામે જ હતો ને વીસ દિવસથી ફરતો હતો, પરંતુ આખરે પોલીસના સકંજામાં આવી ગયો.
હવસે કરાવી બે હત્યાઃ બે મહિલાની હત્યાના કેસ પોલીસે 18 દિવસે ઉકેલ્યો
RELATED ARTICLES