મહિલા પોલીસ અધિકારીનો પીછો કરી અશ્ર્લીલ મેસેજ મોકલવા પ્રકરણે API ની ધરપકડ

આમચી મુંબઈ

મુંબઈ: મહિલા પોલીસ અધિકારીનો પીછો કરવો, મારપીટ અને વાંધાજનક મેસેજ મોકલવાના આરોપસર આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. કુરાર પોલીસના જણાવ્યા મુજબ આરોપી એપીઆઈ દીપક બાબુરાવ દેશમુખની મંગળવારની મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી.
આ પ્રકરણે દેશમુખની સહકર્મચારી એવી પોલીસ ઈન્સ્પેક્ટરે કુરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં વિનયભંગ, પીછો કરવો, અશ્ર્લીલ મેસેજ મોકલવા અને ઘરમાં ઘૂસી મારપીટ કરવાનો આક્ષેપ કરાયો હતો. ફરિયાદને આધારે એફઆઈઆર નોંધી એપીઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એપીઆઈની તાજેતરમાં પોલીસ ક્ન્ટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા પોલીસ અધિકારીને કારણે પોતાની બદલી થઈ હોવાનું દેશમુખને લાગ્યું હતું. પરિણામે તેણે મહિલા અધિકારીને કથિત ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, એમ પોલીસનું કહેવું છે.
દરમિયાન મંગળવારે દેશમુખ મહિલા અધિકારીના ઘરમાં ઘૂસ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી, જેને પગલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દેશમુખ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪, ૩૫૪-ડી, ૪૫૨ અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.