હત્યા-આત્મહત્યામાં ઘેરાઇ પોલીસ
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નદીના કિનારેથી ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. નદીના પટમાંથી 7 મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક જ પરિવારના સાત સભ્યોએ આત્મહત્યા કરી છે કે તેમની હત્યા કરવામાં આવી છે, એની તપાસમાં પોલીસ લાગી છે અને દરેક એંગલથી તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સાત વ્યક્તિના મૃતદેહ પૂણે શહેરથી લગભગ 45 કિમી દૂર દાઉન્ડ તાલુકામાં યાવત ગામની સીમમાં ભીમા નદી પર પરગાંવ પુલ પાસે મળી આવ્યા હતા. તેમાંથી ચાર મૃતદેહ 18-21 જાન્યુઆરી અને ત્રણ મંગળવારે રિકવર થયા હતા. સાતેય મૃતકો એક જ પરિવારના હતા, જેમાં એક વૃદ્ધ દંપતી, તેમની પુત્રી અને જમાઈ અને ત્રણ પૌત્રોનો સમાવેશ થાય છે.
મૃતદેહો ભીમા નદીના પટમાં એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે મળી આવ્યા હતા. ભીમા નદીમાંથી મૃતદેહો મળી આવવાના સમાચારથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
ભીમા નદીમાંથી મૃતદેહો મળી આવવાનું સતત 7 દિવસથી ચાલુ છે. મળતી માહિતી મુજબ 18 જાન્યુઆરીના રોજ કેટલાક સ્થાનિક માછીમારો ભીમા નદીમાં જાળ નાખીને માછીમારી કરી રહ્યા હતા, ત્યારે જ તેમની જાળમાં એક મહિલાના મૃતદેહ આવ્યો હતો, જે બાદ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. NDRFની ટીમ મોડી રાત સુધી આ વિસ્તારની તપાસમાં લાગી ગઇ હતી. ત્યાર બાદ 20 જાન્યુઆરીએ એક પુરુષની, 21 જાન્યુઆરીએ ફરી એક મહિલા અને 22 જાન્યુઆરીએ ફરી એક પુરુષની લાશ બહાર કાઢવામાં આવી હતી. પાંચ દિવસ વીતી ગયા પછી પોલીસે રાહતનો શ્વાસ લીધો ત્યાં તો 24 જાન્યુઆરીએ ફરી એકવાર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવ્યા. ખાસ વાત એ છે કે સાતેય મૃતકો એક જ પરિવારના હતા.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પરિવારે શા માટે સામુહિક રીતે આવું પગલું ભર્યું એની તપાસમાં પોલીસ લાગેલી છે.