રોજ બરોજ -અભિમન્યુ મોદી
દેશ આઝાદ થયો ત્યારે પત્રકાર જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. નવી નવી સરકારે જાહેરખબરની ભેટ ધરી હતી. તો નેગેટિવ સમાચાર ક્યાંથી તૈયાર કરવા? ભારતમાં આઝાદી બાદની વિભીષિકા ઘટી અને જે ગદર મચ્યું તેણે લાખો પરિવારોને તેમના સ્વજનથી વિમુખ કરી દીધા. આ દુર્ઘટનાએ વિશ્ર્વમાં હડકંપ મચાવ્યો હતો. એ સમયે બ્રિટનમાં યુવાનીના ઉંબરે ઊભેલા રાણીબા તેમના પ્રિયતમ પ્રિન્સ ફિલિપ સાથે લગ્નના સ્વપ્ન સેવતાં હતાં. ભારતના પત્રકારો આ બંને ઘટનાઓએ ટાંકીને અંગ્રેજોએ આચરેલા શત્રુતાના ઝેરનું વર્ણન કર્યું હતું.૧૯૪૭માં જ ભારતના બુદ્ધિજીવીઓએ જાહેર કરી દીધું હતું કે, એક સમય આવશે જયારે પાકિસ્તાન પતન તરફ ઢળી જશે. ત્યારે કોઈ રાષ્ટ્ર તેની મદદ નહીં કરે અને સરહદ ઓળંગીને ગયેલી પ્રજા ભારતમાં પુનરાગમન કરવા મથશે. કોને ખબર હતી કે ભવિષ્યવાણીના દર્શન ૨૦૨૩માં થશે!
પાકિસ્તાન ભારત કરતાં એક દિવસ વહેલું આઝાદ થયેલું. ઝીન્નાએ એવો આશાવાદ વ્યક્ત કરેલો કે પાકિસ્તાનનો સૂર્ય જગતને દઝાડશે આજે તો પાકિસ્તાન દાઝી રહ્યું છે. પ્રજા રોટલાના ટુકડા માટે લડે છે, વીજળીના ચમકારે રાષ્ટ્રપ્રમુખે મીટિંગ કરવી પડે છે. સામાન્ય નાગરિક અસામાન્ય કાર્યો કરવા તરફ ડોટ મૂકી રહ્યો છે, દેશનું યુવાધન આતંકીઓના શરણે જઈ રહ્યું છે, વડા પ્રધાન શાહબાઝ શરીક઼ મદદ માટે હાથમાં કટોરો લઇને દુનિયાના દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે, તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે, માંડ એક સપ્તાહ ચાલે તેટલું હૂંડિયામણ બચ્યું છે અને અને પ્રજા પાક.ની નાપાક ભૂમિ પરથી સ્વતંત્ર થવા ઝંખે છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનની પ્રજાએ તો જાહેર કરી દીધું છે કે તેમણે આ નર્કાગારમાંથી મુક્ત થઈને ભારતમાં સામલે થવું છે. આ સ્થિતિ દર્શાવે કે છે પતન શબ્દ તો પાકિસ્તાન માટે બન્યો જ નથી કારણ કે જે દેશની પ્રજા જ તેની નથી એ રાષ્ટ્રનું તો પ્રજાએ વર્ષો પૂર્વે માનસિક શ્રાદ્ધ કરી નાખ્યું હોય. વિશ્ર્વ માટે આજનું પાકિસ્તાન અણધડ નિર્ણયો અને આપખુદ શાહીથી અંતની કહાનીનો બેનમૂન નમૂનો બની ગયો છે. કાશ્મીરને પણ એક સમયે અલાયદું રાષ્ટ્ર બનવું હતું. જેવો પાકિસ્તાનનો હુમલો થયો એટલે હરિસિંહને સરદારની યાદ આવી.૭૬ વર્ષથી ચાલતા આ વિવાદ પર હવે પૂર્ણ વિરામ મૂકવાનો પ્રારંભ થઈ ચુક્યો છે. પીઓકેની પ્રજા પાકિસ્તાનના આતંકીઓથી ત્રસ્ત છે. તેમને ભારતમાં રહીને ધરતીપરના સ્વર્ગને માણવું છે. તેઓ પાકિસ્તાન સાથે માથાકૂટ કરીને થાક્યા છે. ભારત તેમના માટે સુવર્ણની નગરી બની ગયું છે.
પીઓકે તો જ્યારે પાછું આવે ત્યારે પરંતુ પાકિસ્તાન અને પીઓકેમાં જે ચાલી રહ્યું છે તેના કારણે ભારતમાં રહેલા કાશ્મીરમાં ઉધામા મચાવતા ઘણાં તત્ત્વો શાંત પડી ગયાં છે. ભટકેલા યુવાનોને એક વાત સમજાઇ ગઇ છે કે, ભારતમાં તેમનું ભલું છે. આતંકવાદનું સમર્થન કરતી કાશ્મીરી પ્રજા મૌન સાધીને બેસી ગઈ છે. પાકિસ્તાનના મોટાં શહેરો કરાચી, લાહોર, ઇસ્લામાબાદ, ફૈસલાબાદ, રાવલપિંડી, મુલ્તાન, પેશાવર, ક્વેટા અને ગુજરાંવાલામાં લોકો લોટ અને બીજી જીવન જરૂરિયાતની ચીજો માટે તરસી રહ્યા છે. મુખ્ય શહેરોની હાલત આવી છે તો પહેલેથી જેના તરફ ધ્યાન નથી અપાયું એ પીઓકેની સ્થિતિ કેવી હશે તેની કલ્પનાથી પણ કંપારી છૂટી જાય.
પાકિસ્તાન ચાર વિસ્તારોમાં વહેંચાયેલું છે. પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખાઇબર પખ્તુનખ્વા. બે વિસ્તાર ‘પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાન’ એવા છે જે ઇન્ટરનેશનલ લેવલે ડિસપ્યુટેડ છે. બલુચિસ્તાન તો આતંકીઓનો અડ્ડો છે.ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા. એ સમયે કાશ્મીરના રાજા હરિસિંહે તારીખ ૨૬મી ઑકટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથે જોડાવાની સત્તાવાર જાહેરાત કરી હતી. એ સમયે હરિસિંહનું જ્યાં રાજ હતું એ વિસ્તાર જે અત્યારે પીઓકે તરીકે ઓળખાય એ અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાનની સેનાના જવાનો કબાયલીના વેશમાં આવ્યા હતા અને એ વિસ્તાર પર કબજો જમાવી દીધો હતો. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પ્રાચીન સમયમાં ડોગરા વંશજોનું રાજ હતું. અંગ્રેજોના શાસન બાદ તેમણે આ વિસ્તાર ૬૦ વર્ષની લીઝ પર મેળવી લીધો હતો. લીઝ પૂરી થાય એ પહેલા ભારત આઝાદ થયું. તારીખ ૧ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજોએ લીઝ ખતમ કરીને આ વિસ્તાર કાશ્મીરના રાજા હરિસિંહને સોંપી દીધો હતો. આ ઘટના પછી ગિલગિટ બાલ્ટિસ્તાનના સ્થાનિક કમાન્ડર મિર્ઝા હસને વિદ્રોહ કરીને આ વિસ્તારને આઝાદ જાહેર કરી દીધો હતો. મિર્ઝા હસને પહેલા પોતાની નકલી સરકાર બનાવી હતી. પાકિસ્તાનની સેના ઘૂસી આવી એ પછી મિર્ઝાએ તારીખ ૨૮મી એપ્રિલ ૧૯૪૯ના રોજ આ વિસ્તારને પાકિસ્તાનને સોંપી દીધો હતો. ભારત પહેલેથી પીઓકે અને બાલ્ટિસ્તાનને પોતાનો વિસ્તાર કહે છે. ૨૩મી માર્ચ ૨૦૧૭ના રોજ બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્ય બોબ બ્લેકમેને એક પ્રસ્તાવ મૂકીને એવું કહ્યું હતું કે, પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન પર પાકિસ્તાને ગેરકાયદે કબજો જમાવ્યો છે. આ વિસ્તારો ભારતના છે અને તેને જ પાછા સોંપી દેવા જોઇએ. ગિલગિટ બાલ્ટિસ્તાન ૭૫ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અંદાજે ૧૫ લાખ લોકો અહીં વસવાટ કરે છે. ગિલગિટ બાલ્ટિસ્તાનની સીમા ચીન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાન ૭૬ વર્ષથી તેમની સાથે ઓરમાયું વર્તન કરે છે અને હવે પ્રજા પોત પ્રકાશી રહી છે.
આજે પાકિસ્તાનથી તાલિબાનો તેમનાથી વિમુખ થયા છે, અર્થવ્યવસ્થા સંપૂર્ણ ધ્વસ્ત થયેલી છે, અસ્તિત્વ ટકાવવા માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના દરવાજે ઊભું છે. આતંકવાદ દ્વારા શેહબાઝ પણ જમ્મુ અને કાશ્મીરમાં એક અઘોષિત યુદ્ધને આગળ લઈ જઈ રહ્યા છે અને પાક. મીડિયામાં તેઓ હવે વારંવાર ભારત માટે યુદ્ધની ચેતવણી ઉચ્ચારતા થયા છે, એ જોકે તેમની નરી મૂર્ખતા છે. પરંતુ તેમની એ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે પાકિસ્તાને અમેરિકાથી વિમુખ થઈ ચીનના ખોળે બેસવાનું સાહસ કર્યા પછી પણ એ સંપૂર્ણ ચીનને આધીન નથી.
પાકિસ્તાને પોતાનું આર્થિક ભવિષ્ય ચીનને સોંપી દીધું છે. એપ્રિલ ૨૦૧૫માં ચીની રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ ઈસ્લામાબાદ ગયા હતા અને ૪૬ અબજ ડૉલરની જંગી પરિયોજના પર હસ્તાક્ષર કર્યા હતા. ચીનની કૂટનીતિ પાકિસ્તાનના ટુકડા થવા દેવામાં છે એ વાત પાકિસ્તાનના નેતાઓ અને પ્રજાને સમજાતા વાર લાગશે. ચીન ચાહે છે કે પાકિસ્તાનના ટુકડાઓ થાય તો જ આર્થિક કોરિડોર પર કાયમ માટે તેનું સામ્રાજ્ય રહે. ચીનના પાકિસ્તાનમાં પગરણ થયા પછી જ તાલિબાનો વધુ ઉગ્ર થઈને અરધા ઉપરાંતના અફઘાનિસ્તાન પર કબજો જમાવવા લાગ્યા છે અને હવે આવનારા સમયમાં બલુચિસ્તાનની સ્વાતંત્ર્ય લડત વધુ આગળ વધવાની છે. ઈમરાન ખાન જ્યારે સત્તા પર આવ્યા ત્યારે પાકિસ્તાનનો એક બહુ મોટો બુદ્ધિજીવી વર્ગ એમ માનતો હતો કે હાશ, હવે ઈસ્લામાબાદમાં કાશ્મીર અને આતંકવાદ સિવાયની પણ કોઈક અન્ય ચર્ચાઓ શરૂ થશે, પરંતુ ઈમરાન એમના દેશને એક કદમ પણ આગળ લઈ જઈ શક્યા નથી. એમના સત્તાકાળમાં તેઓ કોઇ ચમત્કાર તો ન કરી શકી એ સ્વાભાવિક છે, કારણ કે પાકિસ્તાન એક આર્થિક રીતે થીજી ગયેલો દેશ છે. વર્તમાન જગતથી કોઈ વિખૂટા પડેલા કાળખંડ જેવી એની દશા છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાનના કાયદે આઝમે વિશ્ર્વ મીડિયા સમક્ષ મોદી સાહેબ સાથે બેઠક કરવાની પણ વિનંતી કરી છે.હવે જો ખરેખર જો ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારત સાથે ભળી જશે તો ભારતનું અર્થતંત્ર ડામાડોળ થઈ જશે. ખુંવાર થયેલી પ્રજાના પેટ ભરવા ભારતે અત્યારથી જ તૈયારી કરી લેવી પડશે. નહિતર ભારત બ્રિટનની જેમ આર્થિક પતન તરફ ધકેલાઈ જશે. એ પણ વિચારવા જેવું છે કે જો આખું પાકિસ્તાન ભારતમાં ભળી જશે તો ઇતિહાસમાં કેવી ગાથાઓ બનશે!