કવિઓના કવિ રમેશ પારેખ (રપા)

ઉત્સવ

આજે આટલું જ – શોભિત દેસાઈ

દોસ્તો, આમ તો મેં શીર્ષકમાં પેપર ફોડી જ નાખ્યું કહેવાય.
જી હા, કવિશ્રી રમેશ પારેખનું સામર્થ્ય એ કક્ષાનું હતું. આવડું સંકુલ વિશ્ર્વ, એમાં એક કવિ કેટકેટલી અપેક્ષા સાથે પ્રવેશે છે !!! અને અંતે કેવી ભીષણ માનસિકતા અને સ્વપ્નોના કાટમાળનો સામનો કરે છે, એને નિરૂપતું આખીય ગુજરાતી ભાષાનાં મહાકાવ્યોમાંનું એક આજે તમને વહેતું કરું છું, યોગ્ય માવજતની અપેક્ષા સાથે…
ભાઇ કવિ!
સામા બેઠા છે લોક અવાક્
જન્મતાં સાથે તેમની વાચાનો પાયો
ફસકી ગયો.
ચપટીક હાસ્ય હતું
જે સૂકવી નાખ્યું ભડભડતા સૂર્યે.
દેવાળિયા છે આ બધાં.
હવે તું જ તારણહાર છે.
કવેતાઈ રગડો ઘૂંટ મા.
એનાથી એમના હોઠ નહીં રંગાય.
તું કોઇક કાબરચીતરો ખેલ બતાવ.
એમના ગાલ પર સસલાં ઊગે,
આંખોમાં ખિસકોલીઓની પૂંછડી ફરી વળે તેવો ખેલ.
સૌની જાંઘોમાં ચાંપ છે.
દબાવી દે ચાંપ.
ખળખળાટ વહાવ
સોળ વરસની છોકરીઓનાં સ્વપ્ન.
તારા અને શબ્દના
નિષ્ફળ જાતીય સંંબંધોનું ગાણું બંધ કર.
તારી ઊતરેલ ઘોડા જેવી
આંખોને ચણા ખવડાવ.
જો, આ લોક ખાલી છે.
આ લોકે ખભા પર તારો ભાર વહ્યો.
પોતાના
મગજના મરતા કોષોમાં
તને જિવાડ્યો, એ જોવા કે એ લોક ખરેખર ખાલી છે.
ગઇ કાલે તું આમ જ બેઠો હતો
મોરારિબાપુની કથામાં.
કે અમેરિકન ફિલ્મ સોસાયટીમાં-પરદા સામે,
કે પછી હેવમોરમાં. અવાક્
ભિક્ષાપાત્ર જેવા ખાલી હોઠ લઇને.
તારી જેમ જ
આ લોકને પણ મરણ સુધી હોઠને જિવાડવા છે.
અરધે રસ્તે પાયમાલ થઇ ગયા છે
ઊલટાયેલા ખિસ્સા જેવાં, આ લોક
લબડે છે તારી સામે, ખાલી.
ફિલસૂફીના બબલ્સ ન કર.
સાર્ત્ર-કામ્યુના ડૂચાઓ ભર મા.
તું પોતે પ્રગટ.
વિદૂષક થા,
વિદૂષકની નકલ ના કર.
રંગલો થા,
આદિ રંગલો.
ખેલ કર.
હસાવ આ લોકને.
તું ચાર હાથનો ધણી.
મૂક તારા ચારે હાથ લોકની
સળગતી મજજાઓ પર.
ચમત્કાર કર, કવિ,
જાદુ કર.
આ લોકની છાતીમાંથી
આવતી કાલનો ભય ભૂંસી નાખ.
દૂધિયા દાંત ઉગાડ તેના
અકાળે વૃદ્ધ થયેલા મનસૂબાઓને.
આ જ તારું અવતારકાર્ય છે.
હસાવ કવિ, હસાવ આ બધાને.
તું જ પેટાવી શકીશ એમની નાડીઓમાં દીવા.
એમને ખરેખર હસવું છે.
ચમચીક હાસ્ય માટે આ બધા રોજ રોજ
છાતીએ ખાય છે
દાતરડા જેવા આખેઆખા જીવતરના ઘા.
સાલા, તું તો રંગમંચનો ભગવાન,
તારો મુકુટ, તારું સિંહાસન છે આ લોક.
તું પ્રોમ્પટિંગ સાંભળ મા.
તારી છાતી ફંફોસ.
લોહીમાં હાથ બોળ,
અને કૂંચી ગોત.
આ લોકને ઉઘાડવાની કૂંચી.
કપડાં ન ઉતાર.
તારી નગ્નતાથી લોક નહીં રીઝે.
દાડમની કળી જેવી મૂર્ખતા બતાવ મા.
તારા સંધિવાગ્રસ્ત ઢીંચણ પર કોઇ ઓવારી નહીં જાય,
તારી વાચાળ અજ્ઞાનતા અણીને વખતે ફસકી જશે.
પ્રવૃત્ત થા ખેલમાં.
તારી હડકાઇ તાર્કિકતાને મારી નાખ,
તું પ્રગટ થા.
ખેલ કર.
જાન લડાવીને ખેલી નાખ ખેલ,
દરેક જણ તારો ચહેરો પહેરી બેઠું છે, અવાક્.
દુ:સ્વપ્ન વહેંચતા તારા ગોઝારા હાથને
કાપી નાખ.
કવિનો વેશ બહુ પહેર્યો.
ખેલ કર.
નહીં તો રંગમંચ ખાલી કર,
લઇ જા તારી અડસઠ કિલો ચરબીને-
બસ –
આવનારા નવા કવિ માટે, ખસ…
જઇને બેસ લોક સાથે,
તારા મરેલા હોઠ લઇને….
આજે આટલું જ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.