પર્ણમંજરીના ડમરો અને તુલસી જેવી કવિતાઓ…

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

બોક્સ-૧ પુસ્તક વિશે
નામ- ડમરો અને તુલસી
લેખક- રતિલાલ અનિલ
પ્રકાશક-ભારતી સાહિત્ય સંઘ લિમિટેડ
પ્રકાશન વર્ષ- ૧૯૫૫
કુલ પાનાં-૧૪૪
કિંમત-બે રૂપિયા

બિડાણ- પુસ્તકનું ટાઈટલ તથા પુસ્તકના થોડાંક પાનાં
સ્ટોરી-
થોડા શબ્દોમાં ઘણું કહેવાની આવડત બહુ ઓછા કવિઓમાં હોય છે, ભાઈ રતિલાલ અનિલની આ શક્તિનો હું વર્ષોથી પ્રશંસક છું. પુસ્તકના લેપ પર ઈન્દુલાલ ગાંધી પોતાની વાત હું કહું છું તરીકે મૂકવાની શરૂઆત કરે છે અને પછી આગળ લખે છે કે, એમના ગીતો ગઝલો કે મુક્તકો શ્રોતાઓ ઉપર ઘણી ઊંડી અસર કરે છે. એમનાં કાવ્યોએ શુદ્ધ ગુજરાતીપણું ધારણ કર્યું છે. એમનાં કાવ્યો ગીત અને ગઝલની પ્રણયગ્રંથિથી જોડાયેલા છે. કવિ તરીકે આ બહુ મોટો વિજય છે.
કવિનું ક્રાન્તદર્શન કેવું હોવું જોઈએ તે વિશે પોતાનો વિચાર મૂકતા એમણે લખ્યું છે કે, જગતના પ્રત્યાઘાતો અને ખોટી ધક્કાધક્કીથી હૃદયની સંનિષ્ઠા અને સૌષ્ઠવ ઘણીવાર લોહીલુહાણ થઈ જાય છે, આ વખતે કવિએ પોતે જગતના પ્રત્યાઘાતની ગરમી પચાવી કૌમુદી જેવું શીતળ તેજ વરસવું, નિર્મળ અને નિર્મળ સ્નેહનું વાતાવરણ ફેલાવવું અને આત્માની આત્મીયતાથી જાતને અને અવરને રંગી દેવાં. ત્યાં જ કવિ હૃદયની ખરી કસોટી છે. તપાવાનું, તવાવાનું, ગળાવાનું અને ટીપાવાનું. કવિજીવનની આ પ્રક્રિયા-પરંપરા છે.
ઈન્દુલાલ ગાંધીના મતે આ સંગ્રહના મોટાભાગના કાવ્યો આ સૂત્રને પકડીને આગળ ચાલે છે. ટૂંકમાં, રતિલાલ અનિલની આ કવિતાઓ દંભનો અંચળો દૂર ફેંકીને આપણા હૃદયનાં દ્વાર સુધી સડસડાટ ચાલી આવે છે.
કાવ્યસંગ્રહમાં રતિલાલ અનિલની કવિતા વિશે ૧૩ પાનાનો એક લેખ ચુનીલાલ વર્ધમાન શાહે લખ્યો છે. તેઓ લખે છે કે, અર્વાચીન ગુજરાતી કવિતાની પગદંડીને રેખાંકિત કરનારાઓ, સામાન્ય રીતે ભક્તિપ્રધાન કે આખ્યાનપ્રધાન કવિતાને ચીલે ચાલેલી કવિતાને દલપત નર્મદથી નવી દિશા કે નવી શૈલી ધારણ કરતી લેખે છે. ત્યાર પછી કવિતામાં આવેલા નવા વળાંકના બે સીમાસ્તંભો છે- ક્લાન્ત્ કવિ અને કાન્ત.
એક રીતે તો અનિલ મુશાયરાની વચ્ચે ઉછરેલા કવિ છે પણ મુશાયરાની હવાએ એમને રુંધી નાંખ્યા નથી. તેમની કવિતામાં ગેયત્વ છે પણ અર્થહીન તુકબંદી નથી. પોતાનો પરિચય આપતા અનિલ કહે છે, વાંચો.
બધે સૌંદર્ય નીરખું છું, સરસતા કે કુરુપતા હો, કવિ છું હું જગે દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.નથી હું કાફલો કે ધૂળને પાછળ મૂકી જાઉં, અનિલ છું, ધૂળ સાથે કાફલાની લઈને આવ્યો છું. અનિલને ગઝલ વિશેષ ફાવતી જણાય છે પણ એમણે ગીતો અને છંદોય લખ્યાં છે. નિજ સંવેદન અને દર્શનને તેમણે કવિતામાં ઉતારી આત્મલક્ષી અને પરલક્ષી કવિતાઓ લખી છે. રતિલાલ અનિલ પોતાની કવિતાઓને ડમરો અને તુલસી માને છે. પર્ણમંજરીમાં બે વસ્તુ જરૂર છે, ડમરાનું સૌરભ અને તુલસીનો તીવ્ર મધુર આસ્વાદ. તે કરતાંય વિશિષ્ટ છે એ માનવ જિંદગીના નમ્ર કવિની પર્ણમંજરીમાંનો દ્રવ્યગુણ, જે અદૃશ્ય અર્કની પેઠે તેના પ્રત્યેક પર્ણમાં વ્યાપેલો છે અને પાન કરનાર પાઠક કે શ્રોતાને જીવનસ્વાસ્થ્ય માટે પથ્યકારક સત્ત્વ નીવડે તેવો છે એવું ચુનીલાલ વર્ધમાન શાહનું નિદાન સર્વથા ઉચિત છે એ કાવ્યસંગ્રહમાંથી પસાર થતા અનુભવી
શકાય છે.
પોતાના નિવેદનમાં કવિ કહે છે કે, ૧૯૪૩માં સાબરમતી જેલવાસ દરમિયાન એક બપોરે એમણે રેલગાડી પર એક કવિતા લખી. છંદ તો આવડતા નહતા એટલે ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલીમાં એક લાંબી કવિતા રચતા તો રચી નાંખી પછી જેલમાં પાડોશી એવા વેણીભાઈ પુરોહિતને બતાવી. એમણે શાબાશી આપી. પછી તો કાવ્યસર્જન ચાલ્યું. જેલ બહાર આવ્યા પછી મહાગુજરાત ગઝલ મંડળની, પ્રવૃત્તિ સુરતમાં શરૂ થઈ એની સાથે અનિલની કાવ્યપ્રવૃત્તિ પણ વિકસી.
૧૪૪ પાનાના કાવ્યસંગ્રહમાં કુલ ૧૧૫ રચનાઓ સંગ્રહિત છે. સંગ્રહમાં લીધેલી ગઝલોના બેએક સિવાયના માપ પણ કવિએ અલગથી આપ્યા છે. અનિલ કહે છે કે ગઝલ એક રીતે રૂઢિચુસ્ત કાવ્યપ્રકાર છે. છંદ, પ્રાસ-રદીફ અને પ્રતીકોને પરિભાષાનો આગ્રહ જેવો તેવો નથી. એટલે એમાં ક્ષતિઓને અવકાશ ઓછો છે. આટલું જણાવીને પછી કવિ અનિલે ગઝલ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.
મૂળ સુરતના અને સુરતમાં જ મોટાભાગનું જીવન વ્યતિત કરી ચૂકેલા રતિલાલ અનિલ જ્યારે ગિરનારને ખોળે જઈ વસ્યાં ત્યારે આ સંગ્રહ તૈયાર થયો અને પ્રકાશિત પણ થયો. આ રીતે ગુજરાતી ભાષા સાહિત્યને પ્રાપ્ત થયેલો રતિલાલ અનિલની કાવ્યપ્રવૃત્તિનો પ્રતિનિધિ સંગ્રહ કહી શકાય એવો આ કાવ્યસંગ્રહ એમના કાવ્યપ્રયોગોનો ઉત્તમ સંચય છે એ વાતમાં લગીરેય મિનમેખ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.