ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 11 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં 20.54 ટકા મતદાન થયું છે. ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનન 100 વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિધાનસભાની 182 બેઠક પૈકી 89 બેઠકનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાયુ હતું. બાકીની 93 બેઠકનું મતદાન આજે યોજાયું છે. ચૂંટણીનું પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ જાહેર થશે. ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠક છે. જેમાં બનાસકાંઠાની 9, મહેસાણાની 7, ગાંધીનગરની 5 , પાટણની 4, સાબરકાંઠાની 4 અને અરવલ્લીની 3 બેઠકોનો સમાવેશ થાય છે. આ 32 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટી અને અપક્ષના કુલ 289 ઉમેદવારો મેદાનમાં છે. વહેલી સવારથી જ લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોએ મતદાન મથકો પર લાઇનો લગાવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધીમાં 34.74% મતદાન થયું છે. સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 38.18 % મતદાન થયું છે જ્યારે સૌથી ઓછુ મહેસાણા જિલ્લામાં 29.72.% મતદાન થયું છે.