૩૦મી સપ્ટેમ્બરે વડા પ્રધાનના હસ્તે વંદે ભારતને લીલી ઝંડી અપાશે

ક્ષિતિજ નાયક

મુંબઈ: દેશની સેમી હાઈ સ્પીડ ‘વંદે ભારત’ એક્સપ્રેસને મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવવાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત ગયા અઠવાડિયા દરમિયાન અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ રન પણ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ (એક્ઝિક્યુટિવ ક્લાસ માટે) બે હજાર રૂપિયાથી વધુ ભાડું અને અલગથી જીએસટી ચૂકવવો પડશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગયા અઠવાડિયા દરમિયાન બંને દિશા (મુંબઈથી અમદાવાદ-મુંબઈ)માં પાંચ કલાકમાં ટ્રાયલ પૂરો કરવામાં આવ્યો હતો, જ્યારે આ મહિનાના અંતમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ટ્રેનને લીલીઝંડી આપવાનું શક્ય છે. સત્તાવાર રીતે ટાઈમટેબલ તૈયાર કરવામાં આવ્યું નથી, જ્યારે ભાડું પણ નિશ્ર્ચિત નથી. એટલું જ નહીં, ડબલડેકર અથવા તેજસ એક્સપ્રેસને બદલે ‘વંદે ભારત’ ટ્રેન દોડાવવાની યોજના છે, પરંતુ હાલમાં નક્કર ટાઈમટેબલ નક્કી કર્યું નથી, હાલના તબક્કે અભ્યાસ ચાલુ છે, એમ પશ્ર્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એક અંદાજ પ્રમાણે પ્રવાસીઓએ એક્ઝિક્યુટિવ ક્લાસ માટે ૨,૩૪૯ તથા ચેર કાર માટે ૧,૧૪૪ રૂપિયાનું ભાડું ચૂકવવું પડી શકે છે. આ ઉપરાંત, જીએસટી (ગૂડસ એન્ડ સર્વિસીસ ટેક્સ) પણ ચૂકવવાનો થશે. મુંબઈથી અમદાવાદ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસના ફક્ત બે જ હોલ્ટ સ્ટેશન (કદાચ સુરત અને વડોદરા) રહેશે, જ્યારે બંને સ્ટેશન વચ્ચેનું અંતર ટ્રેન સાડાપાંચ કલાકથી ઓછો સમય લઈ શકે છે. એ જ પ્રકારે વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી સુરત એક્ઝિક્યુટિવ કલાસનું ભાડું અંદાજે રૂપિયા ૧,૫૨૨ અને ચેરકારનું ૭૩૯ તથા સુરતથી અમદાવાદ અનુક્રમે ૧,૩૧૨ અને ૬૩૪ લઈ શકાય છે, જ્યારે તેની સાથે જીએસટી વસૂલવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવનારી વંદે ભારત એક્સપ્રેસ ૧૬ કોચ, ફ્રી વાઈફાઈ) કલાકના ૧૩૦ કિલોમીટરની ઝડપથી દોડાવાશે, જ્યારે તેની મેક્સિમમ સ્પીડ કલાકના ૧૮૦ કિલોમીટરની હશે.

શતાબ્દી, તેજસ એક્સપ્રેસ કરતા ભાડું વધુ હશે?

મુંબઈથી અમદાવાદ વચ્ચેની જાણીતી પ્રીમિયમ ટ્રેન શતાબ્દી સહિત ‘તેજસ એક્સપ્રેસ’ સૌથી વધુ લોકપ્રિય છે. શતાબ્દી એક્સપ્રેસમાં એસી ચેર કારનું ભાડું ૧,૨૯૫ તથા અનુભૂતિ કોચનું ભાડું ૨,૦૯૫ છે, જ્યારે તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ કોચનું સરેરાશ ભાડું ૨,૦૦૦ તથા ચેરકારનું ભાડું અંદાજે ૧,૭૦૦ રૂપિયા છે. એ જ રીતે કર્ણાવતી એક્સપ્રેસ અને ડબલડેક્રમાં ચેરકારનું ભાડું અનુક્રમે અંદાજે ૬૮૫ રૂપિયા છે, તેથી પ્રીમિયમ ટ્રેનોના બદલે વંદે ભારતમાં પેસેન્જર ઓક્યુપન્સી કેટલી રહેશે તે જોવાનુ રહેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

Google search engine