PM મોદીએ GIFT સીટીને આપ્યું ગોલ્ડન ગિફ્ટ! IFSCAના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો, IIBX અને NSE IFSC-SGX connect લોન્ચ કર્યું

આપણું ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગજરાતને ફરી એક ભેટ આપી છે. વડાપ્રધાને ગિફ્ટ સિટી ખાતે IFSCAના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો તથા ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX) અને NSE IFSC-SGX connect લોન્ચ કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતા.

 

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી આગામી દિવસોમાં ગુજરાતને ટ્રેડ, બિઝનેસ અને ફાઇનાન્સિયલ સર્વિસનું ગ્લોબલ સેન્ટર બનાવશે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, સિરામિક હબ, ડાયમન્ડ હબ અને ફાર્માસ્યૂટિકલ હબ બન્યું છે અને હવે ફાઇનાન્સિયલ સર્વિસનું હબ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. અમે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ અને કંપનીઓને આમંત્રણ આપીએ છીએ કે ગુજરાત આવો અને વ્યાપાર કરો.

હાજર રહેલા કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીનું IFSCA વિશ્વના અગ્રણી ફાઇનાન્સ સેન્ટર્સમાં સૌથી ઝડપથી વિકસતું સેન્ટર ગણાવાઈ રહ્યું છે.

ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (IFSCA) ભારતમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ તથા નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. IFSCAના મુખ્યાલયની ઇમારતની આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે.

વડાપ્રધાને GIFT-IFSCમાં ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) લોન્ચ કર્યું છે. IIBX ભારતમાં સોનાના વિત્તિયકરણને વેગ આપવા ઉપરાંત ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા આપશે.

ભારત સરકાર દ્વારા 27 એપ્રિલ, 2020ના રોજ એક વૈધાનિક એકીકૃત નિયમનકારી સત્તા તરીકે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની સ્થાપના કરવામાં આવી હતી.જૂન 2022 સુધીમાં, કુલ 310 થી વધુ એકમોએ IFSCA ના નિયમનકારી ક્ષેત્ર હેઠળ તેમની કામગીરી શરૂ કરી છે, IFSCA એ સત્તા સંભાળી ત્યારથી તેમાં 140% ની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વધુમાં, IFSCA ના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળની 22 બેંકોએ આશરે 32 બિલિયન યુએસ ડોલરનો એકીકૃત એસેટ બેઝ બનાવ્યો છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.