પીએમ મોદીએ દેશને આપી સ્મૃતિ વનની ભેટ

અવર્ગીકૃત આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના પ્રવાસે હતા. કચ્છમાં તેમણે આજે વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. 2001ના ગુજરાતમાં થયેલા વિનાશક ભૂકંપમાં કચ્છમાં સર્જાયેલી હોનારત અને તેમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવેલા સ્મૃતિ વનનું આજે વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ભૂકંપની યાદમાં બનાવાયેલા મ્યુઝિયમને નિહાળ્યુ હતું. તેમણે સ્મૃતિવનમાં લગભગ એક કલાક જેટલો સમય ગાળ્યો હતો અને તમામ બાબતોની માહિતી મેળવી હતી. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વડાપ્રધાને ઉપસ્થિત જનસભાને સંબોધન કરતા કહ્યુ હતું કે ‘કચ્છમાં બનેલુ સ્મૃતિવન આખા દેશની વેદનાનું પ્રતીક છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાત એક પછી એક કટોકટીનો સામનો કરી રહ્યું હતું. જ્યારે ગુજરાત કુદરતી આફતનો સામનો કરી રહ્યું હતું ત્યારે ષડયંત્રો શરૂ થયા. ગુજરાતને દેશ અને દુનિયામાં બદનામ કરવા માટે અને અહીં રોકાણ રોકવા માટે એક પછી એક ષડયંત્રો રચવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કચ્છ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ આપી છે. વડાપ્રધાને કચ્છ માટે એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કર્યુ હતું. રૂપિયા 1,745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નર્મદા કેનાલને કારણે 948 ગામોને મોટો ફાયદો થશે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતું કે, ‘2001ની તબાહી બાદ કચ્છમાં થયેલુ કામ અકલ્પનીય હોવાનું લોકો માની રહ્યા છે. આજે કચ્છના વિકાસને લગતા રૂ. 4,000 કરોડથી વધુના અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં પાણી, વીજળી, રસ્તા અને ડેરી સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે. આ ગુજરાતમાં કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે કચ્છના દરેક ઘરે પાણી પહોંચવા લાગ્યુ છે. કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે. જ્યાં પાણી કચ્છ જિલ્લા માટે પડકાર હતો, તેની સામે આજે આ સમસ્યા હલ થઇ છે.’
કચ્છમા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ જવા રવાના થયા હતા. અમદાવાદથી તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચશે. તેઓ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં ગાંધીનગર પહોંચશે. ભારતમાં સુઝુકી કંપનીના 40 વર્ષ પૂર્ણ થવા પર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે જ્યાં PM મોદી સંબોધન કરશે. અહીં PM મોદી સુઝુકીના બીજા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ઈલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતના હાંસલપુરમાં ખુલશે. તો નવા વાહનોનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હરિયાણામાં ખોલવામાં આવશે. જેનો શિલાન્યાસ PMના હસ્તે કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.