મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ગઈકાલ સાંજે જ મુંબઈથી રવાના થઈ ગયા હોય પણ મુંબઈગરાના દિલોદિમાગ પરથી હજી સાંજનો કેફ ઉતર્યો નથી. મુંબઈના વિકાસકામોના ભૂમિપૂજન અને લોકાર્પણ સમારોહ માટે મોદી ગુરુવારે મુંબઈ આવ્યા હતા.
મોદીએ બીકેસી ખાતે ગઈકાલે સાંજે બીકેસી ખાતે જાહેરસભાને સંબોધી હતી. તેમના 25 મિનીટ અને 6 સેકન્ડના ભાષણમાં તેમણે કોનો ઉલ્લેખ સૌથી વધુ કર્યો અને કોનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું એ વિશેની વાત કરીએ તો વિરોધકો પર જોરદાર હલ્લાબોલ કરતાં તેમણે પોતાના ભાષણમાં બધા જ મુદ્દા અને વિષયોને આવરી લીધા હતા. પોતાની સ્ટાઈલમાં વિકાસકામો વિશે વાત કરતાં કરતાં જ તેઓ વિરોધકોની ટીકા કરવાનું ચૂક્યા નહોતા. આવો જોઈએ મોદીએ પોતાના ભાષણમાં કયા શબ્દ કે વ્યક્તિનો સૌથી વધુ ઉલ્લેખ કર્યો હતો-
Memorable day for Mumbai! Speaking at launch of multiple development initiatives benefiting the citizens of this vibrant city. https://t.co/B5yy73uIYH
— Narendra Modi (@narendramodi) January 19, 2023
મોદીએ પોતાના ભાષણમાં વિકાસ શબ્દનો ઉલ્લેખ સૌથી વધુ વખત કર્યો હતો અને 25 મિનીટના ભાષણમાં તેમણે એક-બે નહીં પણ પૂરા 10 વખત વિકાસ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ બીજા નંબરે આવે છે મુંબઈ. તેમણે મુંબઈ શબ્દનો ઉલ્લેખ ભાષણમાં 8 વખત કર્યો હતો.
મોદીજીના ભાષણની બીજી ખાસિયત વિશે વાત કરીએ તો ગઈકાલે તેમણે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરતાં વધુ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ઉલ્લેખ કર્યો હતો, જેને કારણે ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. ભાષણમાં તેમણે શિંદેનો 6 વખત અને ફડણવીસનો ઉલ્લેખ 4 વખત કર્યો હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરાઈ રહ્યું છે.
આ વખતે મોદીજીએ રાષ્ટ્રવાદીના સર્વેસર્વા શરદ પવારનો એક પણ વખત ઉલ્લેખ કર્યો નહોતો. એક બાજું જ્યાં તેમણે પવારનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું ત્યાં ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ માત્ર બે જ વખત કર્યો હતો, અને શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેનો એક જ વખત ઉલ્લેખ કર્યો હતો.