રવિવારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની સ્મૃતિમાં આયોજિત પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને શુભેચ્છકોએ હાજરી આપી હતી. હીરાબેનનું શુક્રવારે અમદાવાદમાં 99 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વડનગરના વેપારીઓએ શુક્રવારથી ત્રણ દિવસના બજાર બંધનું એલાન આપ્યું હતું.
વડનગરના જવાહર નવોદય વિદ્યાલય હોલમાં રવિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી યોજાયેલી પ્રાર્થના સભામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્યો પૂર્ણેશ મોદી અને જેઠા ભરવાડ અને અન્યોએ હાજરી આપી હતી. હીરાબેનના પરિવારના સભ્યો દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય જોશી, પૂર્વ સ્પીકર નીમા આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની પણ હાજર રહ્યા હતા. પ્રાર્થના સભામાં ઉપસ્થિત બધા લોકોને શ્રીમદ ભગવદ ગીતા પ્રસાદીરૂપે આપવામાં આવી હતી. વડનગરમાં મુસ્લિમ સમુદાયના આગેવાનોએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુજરાતના વિવિધ ભાગોમાંથી પરિવારના શુભચિંતકો, તેમના સંબંધીઓ અને વડનગરના રહેવાસીઓ, જ્યાં હીરાબેને જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો, તેઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારથી જ લાઇનમાં ઉભા હતા. સ્થળ પર પત્રકારો સાથે વાત કરતા કોડનાનીએ જણાવ્યું હતું કે હીરાબાએ ‘વિશ્વ રત્ન’ નરેન્દ્રભાઈને જન્મ આપ્યો છે, જેઓ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહ્યા છે અને તેને ‘વિશ્વ ગુરુ’ બનાવવા માટે કામ કરી રહ્યા છે.
અમદાવાદની યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હીરાબેનનું મોત થયું હતું. પીએમ મોદી, તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં ગાંધીનગરના સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમની માતાના અવસાન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ કરો અને જીવનને પવિત્રતાથી જીવો.’
વડનગરમાં PM મોદીની માતા હીરાબેનની પ્રાર્થના સભા, લોકોએ આપી શ્રદ્ધાંજલિ
RELATED ARTICLES