વડા પ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના પ્રચાર માટે સતત રેલીઓ કરી રહ્યા છે. દેવભૂમિ હિમાચલમાં એક પછી એક કાર્યક્રમોથી તેમનું સમય પત્રક વ્યસ્ત છે. દરમિયાન બુધવારે કાંગડામાં ચૂંટણી રેલી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો થોડો સમય માટે થંભી ગયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પીએમ મોદીએ પોતે એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને રોકી દીધો હતો.
હિમાચલ પ્રદેશના હમીરપુર રેલીથી પહેલા આજે સભા સ્થળે જઈ રહ્યા હતા ત્યારે વડાપ્રધાન મોદીનો કાફલો અચાનક થંભી જતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશની આ મુલાકાત દરમિયાન લોકોને પીએમ મોદીનું માનવ સ્વરૂપ ફરી એકવાર જોવા મળ્યું હતું. એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે પીએમ મોદીએ પોતાના કાફલાને રોકી દેવાનો આદેશ આપ્યો હતો.
#Himachalpradesh: Ambulance ને રસ્તો આપવા #PMModi એ રોક્યો પોતાનો કાફલો pic.twitter.com/c8OjjhLzEX
— Mumbai Samachar Official (@Msamachar4u) November 9, 2022
આ પહેલીવાર નથી જ્યારે પીએમ એ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને રોક્યા હોય. આવી જ એક ઘટના ગયા મહિને પણ બની હતી. ત્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. તે દરમિયાન પણ તેમણે એમ્બ્યુલન્સને રસ્તો આપવાનો આવો જ આદેશ આપ્યો હતો. એ સમયે ભાજપના ગુજરાત એકમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર જતી વખતે એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોકાઇ ગયો હતો.”