વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનતાના અલગ અલગ વર્ગ સાથે સંવાદ સાધતા રહે છે. તેઓ દર વર્ષે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં જોમ ભરવા અને તેમને પરીક્ષાના હાઉથી દૂર રાખવા તેમની સાથે ચર્ચા કરે છે. ગુજરાત સહિત દેશભરમાં ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ જશે, તે પહેલા વડા પ્રધાન 27મી જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા નામના કાર્યક્રમથી સંવાદ સાધશે.
27 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરક્ટિવ પ્રોગ્રામ યોજાનાર છે. આ પ્રોગ્રામને લઇને રાજયના શિક્ષણ વિભાગની સૂચનાથી દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા પોતાના તાબા હેઠળની શાળાઓને શું કરવું તે અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આ અંગે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યોને પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા મોકલી આપી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પહેલાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2018થી પરીક્ષાના તણાવને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ સાથે સંવાદ થકી, વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇને થતાં તણાવને દૂર કરવા માટેના ઉપાયો અને પોતાના અનુભવ શેર કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. તેમણે એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક પણ લખ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓ અને માતા-પિતાને સૂચનો પણ કરવામાં આવ્યા છે.