વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે બજેટ પર ચર્ચા દરમિયાન સંસદ પહોંચ્યા હતા. વડાપ્રધાન આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન આભાર પ્રસ્તાવ રજુ કરે એવી શક્યતા છે, પરંતુ એ પહેલા વડાપ્રધાને પહેરેલું ખાસ જેકેટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
વડપ્રધાને પહેરેલા બ્લુ જેકેટની ખાસિયત એ છે કે એ વપરાયેલી પ્લાસ્ટીકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે. બે દિવસ પહેલા 6 ફેબ્રુઆરીના રોજ આ જેકેટ PM મોદીને જ ગિફ્ટ કરવામાં આવ્યું હતું. આજે તેઓ જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. વડપ્રધાનનું જેકેટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
બે દિવસ પહેલા સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા સપ્તાહનો ઉદ્દેશ્ય ઉર્જા મહાસત્તા તરીકે ભારતની વધતી જતી શક્તિને દર્શાવવાનો હતો. આ દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને પીએમ મોદીને એક ખાસ જેકેટ અર્પણ કર્યું, જે રિસાઈકલ પીઈટી બોટલમાંથી બનાવવામાં આવ્યું હતું.
પીએમ મોદીને આપવામાં આવેલ જેકેટ માત્ર એક સેમ્પલ છે. એ જ રીતે ઇન્ડિયન ઓઇલના કર્મચારીઓ અને સશસ્ત્ર દળો માટે કપડાં બનાવવા માટે 10 કરોડથી વધુ PET બોટલને રિસાઇકલ કરવામાં આવશે.