મુંબઈઃ મુંબઈમાં બે મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યા પછી વડા પ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનમાં પણ ટ્રાવેલ કર્યો હતો. ગુંદવલી અને મોગરા સ્ટેશનની વચ્ચે વડા પ્રધાને મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કર્યો હતો. મેટ્રોના પ્રવાસ દરમિયાન ટ્રેનમાં યુવાનો, મહિલાઓ અને મેટ્રોના કર્મચારીઓની સાથે પીએમ મોદીએ ચર્ચા કરી હતી. મેટ્રો લાઈન સાતમાં બીજા તબક્કામાં ચાલુ કરવામાં આવેલી લાઈનના આ બંને સ્ટેશન છે. મેટ્રો ટ્રેનમાં વડા પ્રધાનની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ સાથે રહ્યા હતા. મુંબઈમાં મેટ્રો અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મુંબઈ માટે સૌથી વધારે મેટ્રો જરુરી છે. સીએસએમટીનું આધુનિકીકરણનું કામકાજ હોય કે પછી રસ્તાના સુધારાના સૌથી મોટા પ્રોજેક્ટ હોય અને બાળા સાહેબ ઠાકરેના નામથી 20 આપલા દવાખાનાની શરુઆત વગેરે મુંબઈ શહેરને સર્વોતમ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. મુંબઈની કાયાપલટ કરવામાં આવી રહી છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
આટલા માટે થયો વિકાસ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં આવીને કરોડો રુપિયાના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું તેની સાથે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દુનિયા પર ભારતનો વિશ્વાસ વધ્યો છે અને તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે આવવાને કારણે વિકાસ થયો છે. વડા પ્રધાન મોદીએ બાલ ઠાકરે ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દુનિયામાં ભારત પ્રત્યે ઘણી સકારાત્મકતા છે, કારણ કે ભારત તેની ક્ષમતાનો બહુ સારી રીતે સદઉપયોગ કરી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે આપણે એવો સમય પણ જોયો છે કે જ્યારે ગરીબ કલ્યાણના પૈસા કૌભાંડમાં જતા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે છેલ્લી સદીનો લાંબો સમય ફક્ત ગરીબી પર ચર્ચા કરવામાં અને દુનિયા પાસેથી મદદ માગવામાં વીત્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે અહીંના વિકાસમાં મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) બહુ જરુરી છે. બજેટમાં કોઈ અછત નથી, પરંતુ એ વિકાસ માટે થવું જોઈએ. ભ્રષ્ટાચાર થાય તો ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ થઈ શકે. તેમણે કહ્યું હતું કે ભાજપ અને એનડીએની સરકાર રાજકારણને વિકાસની આગળ વધવા દેતી નથી. અમે વિકાસ પર બ્રેક મારતા નથી, પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં પહેલા અમે જોયું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ડબલ એન્જિનની સરકાર નહીં હોવાથી અવરોધ ઊભો થયો હતો. 2014 સુધી મુંબઈમાં મેટ્રો-વન (અગિયાર કિલોમીટરના બેલ્ટ) સુધી ચાલતી હતી, પરંતુ ડબલ એન્જિનની સરકાર આવવાને કારણે ઝડપથી વિસ્તાર થયો છે, એમ તેમણે જણાવ્યું હતું.