વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે સવારે જૈફ વયે નિધન થયું હતું. હીરાબાની તબિયત બગડતા તેમને બુધવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ સમયે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પીએમ મોદી માતાને મળવા હૉસ્પિટલમાં આવ્યા હતા.
હીરા બા સો વર્ષના હતા. આ ઉંમરે પણ પોતાનું કામ તેઓ જાતે જ કરવાના આગ્રહી હતા. તેમનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. જોકે, કદાચ એ સંઘર્ષે જ તેમને લાંબુ આયુષ્ય આપ્યું હતું.
હીરાબા હંમેશા શિસ્તબદ્ધ અને સાદુ, સરળ જીવન જીવ્યા હતા. તેમના જીવનની મોદી પર ઘણી અસર પડી હતી. મોદીએ હંમેશા માતા પાસેથી પ્રેરણા લીધી હતી. હીરાબાનો જન્મ પાલનપુરમાં થયો હતો. નાનપણમાં જ સ્પેનિશ ફ્લુમાં તેમણે માતાને ગુમાવી હતી. બાદમાં તેઓ વડનગર શિફ્ટ થયા હતા. માત્ર 15 વર્ષની કુમળી વયે તેમના લગ્ન થયા હતા. તેમના પતિ દામોદરદાસ મુલચંદ મોદી ચા વેચતા હતા. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તેમને શિક્ષણની સુવિધા પ્રાપ્ત નહોતી થઇ, પણ પોતાના બાળકોને ભણાવવા માટે તેમણે અન્યોના ઘરે પણ કામ કર્યા હતા. તેમની ઇચ્છા હતી કે તેમના બાળકો ભણીગણીને આગળ વધે અને સમાજમાં નામ કમાય. આત્મસ્વમાની હીરા બાએ ક્યારેય કોઇ પાસે પૈસા ઉછીના લીધા નહોતા.
ડૉક્ટર હીરા બા
હીરા બાએ આમ તો બિલકુલ શિક્ષણ લીધું નહોતું, પણ ગામ આખામાં તેઓ ડૉક્ટર તરીકે જાણીતા હતા. તેઓ દરેક રોગોના ઘરગથ્થુ ઇલાજ અને ઉપચાર જાણતા હતા, એટલે જ લોકો તેમને ડૉક્ટર કહેતા હતા. નાના બાળકો અને મહિલાઓને તેમના રોગોના ઇલાજ માટે હીરા બા ઘરગથ્થુ ઉપાયો સૂચવતા હતા અને ઘણી મહિલાઓ સારવાર માટે હીરા બા પાસે આવતી અને પોતાની સમસ્યા જણાવતી.હીરા બા ઘરેલુ નુસખા અજમાવી તેમનો ઇલાજ કરતા.
આખો દિવસ કામમાં રહેતા હીરાબા
હીરા બાને આરામ શું છે એની જાણે ખબર જ નહોતી. આખો દિવસ તેઓ કામ જ કર્યા કરતા. વહેલી સવારે ચાર વાગ્યાથી તેમનો નિત્યક્રમ ચાલુ થઇ જતો. નિત્ય ક્રમથી પરવારી તેઓ ઘરનું કામ કરતા. અનાજ દળવાથી માંડીને ચોખા અને દાળ ચાળવા સુધી અનેક કામ તેઓ કરતા. સવાર સાંજ બે વાર કૂવામાંથી પાણી ખેંચી લાવતા. કપડાં ધોવા તળાવે જતા. ઘરખર્ચને પહોંચી વળવા કામમાંથી પરવારી તેઓ બીજાના ઘરના કામ કરવા જતા. ઘરની દારૂણ ગરીબીને કારણે તેઓ બાળકોને પણ બાજરાના રોટલા અને કઢી જ ખવડાવતા હતા.બાળકોના ઉછેર માટે તેમણે કડી મહેનત કરી હતી. અભાવોમાં પરિવાર કેમ ચલાવવો એની આવડત એમને હસ્તગત હતી. તેઓને ઘરનું સાદુ ભોજન જ પ્રિય હતું. જોકે, તેમને આઇસક્રીમ ઘણો પ્રિય હતો. એ ખાવા માટે તેઓ ક્યારેય ના નહોતા પાડતા. હીરા બાને ઘર સજાવટનો ઘણો શોખ હતો. ઘરની સફાઈ અને સુંદરતા માટે તેઓ ઘણો સમય ફાળવતા હતા.
હીરાબાના 100મા જન્મદિવસ પર તેમના બ્લોગમાં માહિતી આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે…
આજે, હું ખૂબ જ ખુશ અને ભાગ્યશાળી અનુભવું છું કે મારી માતા શ્રીમતી. હીરાબા તેના સોમા વર્ષમાં પ્રવેશી રહી છે. આ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હશે. જો મારા પિતા જીવિત હોત, તો તેમણે પણ ગયા અઠવાડિયે તેમનો 100મો જન્મદિવસ ઉજવ્યો હોત. 2022 એક ખાસ વર્ષ છે કારણ કે મારી માતાનું શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે, અને મારા પિતાએ તે પૂર્ણ કર્યું હોતે.
ગયા અઠવાડિયે જ મારા ભત્રીજાએ ગાંધીનગરથી માતાના થોડા વીડિયો શેર કર્યા. સોસાયટીના થોડા યુવાનો ઘરે આવ્યા હતા, મારા પિતાનો ફોટો ખુરશી પર રાખવામાં આવ્યો હતો, ત્યાં કીર્તન હતું અને માતા મંજીરા વગાડતી વખતે ભજન ગાવામાં મગ્ન હતી. તેણી હજુ પણ એવી જ છે – ઉંમરને કારણે શારીરિક રીતે નુકસાન થયું હશે, પરંતુ તે હંમેશાની જેમ માનસિક રીતે સતર્ક છે.
બ્લોગમાં મોદીએ જણાવ્યું હતું કે આજની સરખામણીમાં તેમની માતાનું જીવન અત્યંત કપરું હતું. વડનગરમાં તેમનો પરિવાર એક નાનકડા ઘરમાં રહેતો હતો જેમાં બારી પણ ન હતી, શૌચાલય કે બાથરૂમ જેવી વૈભવી સુવિધા તો રહેવા દો. માટીની દિવાલો અને છત માટે માટીની ટાઈલ્સવાળા આ એક ઓરડાના ટેનામેન્ટને તેઓ ઘર કહેતા. અને તેઓ બધા – મોદી, તેમના માતા-પિતા, ભાઈ-બહેન તેમાં રહ્યા હતા.
હીરા બાને નરેન્દ્ર પર અપાર ભરોસો હતો.
પીએમ મોદી બ્લેગમાં લખે છે કે માતાને હંમેશા મારામાં અને તેમણે આપેલા સંસ્કારોમાં અપાર વિશ્વાસ રહ્યો છે. મને એક દાયકા જૂની ઘટના યાદ આવે છે જ્યારે હું સંસ્થામાં કામ કરતો હતો. હું સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં અત્યંત વ્યસ્ત હતો અને મારા પરિવાર સાથે ભાગ્યે જ સંપર્ક કરી શક્યો. તે સમયગાળા દરમિયાન મારા મોટા ભાઈ માતાને બદ્રીનાથજી અને કેદારનાથજી પાસે લઈ ગયા. કેદારનાથ જીના સ્થાનિકોને ખબર પડી કે મારી માતા બદ્રીનાથ જીમાં દર્શન પૂર્ણ કર્યા પછી મુલાકાત લેશે. જોકે, હવામાન અચાનક ખરાબ થઈ ગયું. કેટલાક લોકો ધાબળા લઈને આવ્યા હતા. તેઓ રસ્તા પર વૃદ્ધ મહિલાઓને પૂછતા રહ્યા કે શું તેઓ નરેન્દ્ર મોદીની માતા છે? અંતે, તેઓ માતાને મળ્યા, અને તેમને ધાબળા અને ચા આપી. તેઓએ કેદારનાથ જીમાં તેના રોકાણ માટે આરામદાયક વ્યવસ્થા કરી. આ ઘટનાની માતા પર ઊંડી છાપ પડી. જ્યારે બા મને પાછળથી મળી ત્યારે તેમણેએ કહ્યું, “એવું લાગે છે કે તમે કોઈ સારું કામ કરી રહ્યા છો, કારણ કે લોકો તમને ઓળખે છે.” મારા માટે માતાની આ પ્રશંસા ધન્યપળ હતી.
મોદી કહે છે કે, ‘મને કોઈ શંકા નથી કે મારા જીવનમાં જે કંઈ સારું છે, અને મારા પાત્રમાં જે કંઈ સારું છે તે બધું મારા માતા-પિતાને આભારી છે. આજે હું દિલ્હીમાં બેઠો છું ત્યારે ભૂતકાળની યાદોથી ભરાઈ ગયો છું. મારી માતા જેટલી સરળ છે એટલી જ અસાધારણ પણ છે. બધી માતાઓની જેમ! જેમ હું મારી માતા વિશે લખું છું, મને ખાતરી છે કે તમારામાંથી ઘણા તેમના વિશેના મારા વર્ણન સાથે સંબંધિત હશે. વાંચતી વખતે, તમે તમારી પોતાની માતાની છબી પણ જોઈ શકો છો. માતાની તપસ્યા સારા માનવીનું નિર્માણ કરે છે. તેનો સ્નેહ બાળકને માનવીય મૂલ્યો અને સહાનુભૂતિથી ભરી દે છે. માતા એ કોઈ વ્યક્તિ કે વ્યક્તિત્વ નથી, માતૃત્વ એ ગુણ છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભગવાન તેમના ભક્તોના સ્વભાવ અનુસાર બનાવવામાં આવે છે. એ જ રીતે આપણે આપણી માતાઓ અને તેમના માતૃત્વને આપણા પોતાના સ્વભાવ અને માનસિકતા અનુસાર અનુભવીએ છીએ.’
હીરા બાએ ક્યારેય પીએમ મોદીની પ્રસિદ્ધિઓને વટાવવાનો પ્રયાસ નહોતો કર્યો. તેઓ ક્યારેય કોઈ સરકારી કે જાહેર કાર્યક્રમમાં મોદી સાથે નહોતા જતા. માત્ર બે પ્રસંગોએ તેઓ મોદી સાથે હતા. જ્યારે મોદી શ્રીનગરમાં એક્તાયાત્રા પૂર્ણ કરી, લાલચોકમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી અમદાવાદ પાછા ફર્યા ત્યારે એક જાહેર સમારંભમાં હીરા બાએ મોદીને માથે તિલક કર્યું હતું. જ્યારે મોદીએ 2001 માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા. દાયકા પહેલાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહ એ છેલ્લો જાહેર કાર્યક્રમ હતો જેમાં માતા હીરા બાએ મોદી સાથે હાજરી આપી હતી.ત્યાર બાદ તેઓ ક્યારેય નરેન્દ્ર મોદી સાથે એક પણ જાહેર કાર્યક્રમમાં ગયા નહોતા.
માતૃશક્તિની તપસ્યા, બલિદાન અને યોગદાનના પર્યાય સમા હીરા બા વિશે લખાણ તો ખૂટે તેમ નથી. આપણે તેમને શ્રદ્ધાંજલિ આપી અહીં જ પૂર્ણવિરામ કરીએ.