મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે આવ્યા છે અને તેમણે મુંબઈ- સોલાપુર અને મુંબઈ-શિરડી એમ બે વંદે ભારતને લીલી ઝંડી દેખાડી હતી. પરિણામે મુંબઈથી દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સંખ્યા 3 અને દેશમાં કુલ વંદે ભારત એક્સપ્રેસની સંખ્યા 10 થઈ ગઈ છે.
વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડ્યા બાદ તેમણે લોકોને સંબોધન કર્યું હતુ અને એ સમયે વડા પ્રધાન મોદીએ એક જ શ્વાસમાં બધા તીર્થસ્થળોના નામ લઈને લોકોને આશ્ચર્યચકિત તો થયા જ હતા, પરંતુ તેની સાથે સાથે જ લોકો ભર-ભરીને તેમના વખાણ પણ કરી રહ્યા છે.
સીએસએમટી-સોલાપુર વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને કારણે સોલાપુરના સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુળજાપુર, સોલાપુર પાસેના પંઢરપુર અને પુણે જિલ્લાના આળંદી ખાતે જનારા શ્રદ્ધાળુઓને સુવિધા થશે. જ્યારે મુંબઈ શિરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કારણે નાશિક જિલ્લામાં આવેલા ત્ર્યંબકેશ્વર, સાંઈનગર-શિર્ડી અને શની શિંગણાપુર ખાતે જનારા ભક્તોને લાભ થશે.