નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાન પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષો દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો સામે જોરદાર પલટવાર કર્યો હતો. મોદીએ વિપક્ષો પર નિશાનો સાધ્યો હતો અને આ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના સાંસદ શશી થરૂરના કાયલ થઈ ગયા. વાત આટલેથી જ નહીં અટકી અને મોદીજીએ તો થેન્ક યુ શશીજી કહી દીધું. આવો જોઈએ આખરે મોદીજીએ શશી થરૂરને થેન્ક યુ કેમ કહ્યું-
લોકસભામાં વિપક્ષ પર નિશાનો સાધતા મોદીજીએ મનમોહન સિંહ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલાં કૌભાંડોનો કાળો ચિઠ્ઠો ખોલવાનું શરું કર્યું તો કોંગ્રેસી નેતાઓ ગુસ્સે ભરાયા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત પાર્ટીના અનેક કોંગ્રેસી નેતાઓ વિરોધ કરતા દેખાયા.
વિરોધ પ્રદર્શિત કરતાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીના નેતૃત્ત્વ હેઠળ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. તેમની સાથે શશી થરૂર પણ વોક આઉટ કરી ગયા. પરંતુ થોડીક વારમાં શશી થરૂર પાછા લોકસભામાં આવી ગયા અને એ સમયે ભાષણ આપી રહેલાં નરેન્દ્ર મોદીજીએ થરૂરને જોયું અને કહ્યું કે થેન્ક યુ શશીજી. જોકે, આ ઘટનાના થોડાક સમય બાદ જ રાહુલ ગાંધી લોકસભામાં પહોંચ્યા અને તેમની સાથે જ અધીર રંજન ચૌધરી અને બાકીના સાંસદો પણ પાછા આવી ગયા હતા.
લોકસભાની બહાર મીડિયા સાથે વાત કરતાં શશી થરૂરે કહ્યું કે જેટલા સવાલ પૂછવામાં આવ્યા હતા એમાંથી એક પણ સવાલનો જવાબ વડા પ્રધાન મોદીજીએ નથી આપ્યો. એટલું જ નહીં શશી થરૂરે તો ત્યાં સુધી કહી દીધું કે મોદીજીએ ભાષણ તો ખૂબ સારું આપ્યું પણ વિપક્ષોના સવાલોના જવાબ નહીં આપ્યા.