મુંબઈઃ મુંબઈ સીએસએમટી ખાતે દેશની 10મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેનોને રવાના કરી હતી અને એ સમયે તેમણે મુંબઈગરાને સંબોધન પણ કર્યું હતું. દર વખતે હટકે સ્ટાઈલમાં સંબોધન કરવાની પરંપરાને જાળવીને પીએમ મોદીએ આ વખતે પણ અલગ અંદાજમાં જ સંબોધનની શરૂઆત કરી હતી.
પીએમ મોદીએ મરાઠીમાં સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે રેલવેના ઈતિહાસમાં મોટી ક્રાંતિ થઈ રહી છે. દેશને આજે નવમી અને દસમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સમર્પિત કરતાં મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આજનો દિવસ ભારતીય રેલવે અને મુંબઈની કનેક્ટિવિટી માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. બંને વંદે ભારત ટ્રેન મુંબઈ અને પુણે જેવા દેશના બે મોટા શહેરોને જોડે છે. આને કારણે મહારાષ્ટ્રના પર્યટન અને તીર્થક્ષેત્રને વેગ મળશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે રાજ્યમાં બનાવવામાં આવેલી ડબલ એન્જિનની સરકારના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે એક સમયે વિધાન સભ્યો પત્ર લખીને અમારા ત્યાંના સ્ટેશન પર ટ્રેનને હોલ્ટ આપવા માટે વ્યવસ્થા કરો. પણ હવે વિધાન સભ્યો જ્યારે મળે છે ત્યારે દબાણ નાખે છે કે અમારે ત્યાં પણ વંદે ભારત ટ્રેન શરૂ કરો. આ ટ્રેનને કારણે મુંબઈગરાનો પ્રવાસ આરામદાયત બનશે. મુંબઈની ઈસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે મહત્ત્વની સાબિતી થશે. આ માટે લોકોનો ખૂબ સમય બચશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. દેશના 17 રાજ્ય અને 108 જિલ્લા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કારણે જોડાયા છે. દેશમાં આજે નવું એરપોર્ટ, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને મેટ્રોનું નેટવર્ક વિકસાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. મૂળભૂત સુવિધાઓ માટે બજેટમાં દસ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને આને કારણે મોટા પાયે રોજગારની તકો ઉભી થશે, એવું પણ તેમણે ઉમેર્યું હતું.
પીએમ મોદીએ મુંબઈગરાનું અભિનંદન. 21મી સદીમાં ભારતે સાર્વજનિક પરિવહન વ્યવસ્થાને સુધારવી પડશે. જેટલી ઝડપથી સાર્વજનિક પરિવહન વ્યવસ્થા મજબૂત થશે એટલો જ આપણો ફાયદો થશે. લોકોની રહેણી-કરણી સુધરશે. દેશમાં આધુનિક ટ્રેનો દોડાવવામાં આવે છે, મેટ્રોનો પણ વિસ્તાર થઈ રહ્યો છે, એવું વધુમાં ઉમેર્યું હતું.