યુક્રેન પર રશિયાના યુદ્ધ અને અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે ભારતના ઘર્ષણના અહેવાલની વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટેલિફોન પર વાતચીત કરી હતી. તાજેતરમાં વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુટિનની વચ્ચે ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે 16મી સપ્ટેમ્બરના એમસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) શિખર સંમેલન વખતે મુલાકાત થઈ હતી ત્યારે મોદીએ પુટિનને કહ્યું હતું કે આ યુદ્ધનો વખત યોગ્ય નથી.
શુક્રવારે ટેલિફોન પર યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ સંદર્ભે વાતચીત કરવામાં આવી હતી, જે અંગે પીએમઓએ જણાવ્યું હતું વડા પ્રધાન મોદીએ પુટિન સાથે પોતાની વાતચીતમાં ડાયલોગ કૂટનીતિથી આગળ લઈ જવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુટિનને જી-ટવેન્ટીના ભારતમાં ચાલી રહેલા પ્રમુખપદ વિશે માહિતી આપી તેની મુખ્ય પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના ભારતના અધ્યક્ષપદ દરમિયાન બંને દેશો સાથે મળીને કામ કરવા માટે આતુરતા દર્શાવી હતી અને તેઓ એકબીજા સાથે નિયમિત સંપર્કમાં રહેવા માટે સંમત પણ થયા હતા, એમ પીએમઓના નિવેદનમાં જણાવ્યું હતું. આ વર્ષે બંને નેતાની વચ્ચે અનેક વખત ટેલિફોન પર વાતચીત કરવામાં આવી છે. યુક્રેન સામેના યુદ્ધને લઈ રશિયાએ અનેક વખત પરમાણુ હુમલાની પણ ધમકી આપી હતી, જ્યારે તાજેતરમાં ફરી એક વખત રશિયાએ ધમકી આપી હતી.