ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, એ દરમિયાન મોદીએ કલોલ ખાતે આજે જનમેદનીને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની “રાવણ” ટિપ્પણી પર તેમને નિશાન બનાવતા વળતો પ્રહાર કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ કલોલમાં ચૂંટણી પ્રચાર કરતા સમયે જણાવ્યું હતું કે કૉંગ્રેસમાં તો જાણે કે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે કે કોણ મોદીને વધુ ગાળો આપશે અને કોણ તેમનું વધુ અપમાન કરશે.
પોતાની પર 100 માથાંવાળા રાવણની ટિપ્પણી પર નરેન્દ્ર મોદીએ કાલોલમાં ચૂંટણીસભામાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામભક્તોનું ગુજરાત છે. “જે લોકો ક્યારેય ભગવાન રામના અસ્તિત્વમાં માનતા ન હતા, જે લોકોને અયોધ્યાના રામ મંદિરમાં વિશ્વાસ નથી. જે લોકોને રામસેતુ સામે પણ વાંધો છે. તેઓ હવે મને ગાળો આપવા માટે રામાયણમાંથી ‘રાવણ’ લઇ આવ્યા છે. મને આશ્ચર્ય થાય છે કે આવા શબ્દોનો ઉપયોગ કરવા છતાં કોંગ્રેસને ક્યારેય પસ્તાવો થતો નથી. કોંગ્રેસ માને છે કે મોદીનું અપમાન કરવું તેમનો અધિકાર છે. દેશના વડા પ્રધાનને નીચુ દેખાડવું એને કૉંગ્રેસ પોતાનો અધિકાર સમજે છે.
ખડગેએ આ સપ્તાહની શરૂઆતમાં અમદાવાદમાં એક રેલીને સંબોધિત કરતી વખતે મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. “મોદીજી વડાપ્રધાન છે. તેમનું કામ ભૂલીને, તેઓ કોર્પોરેશનની ચૂંટણીઓ, ધારાસભ્યોની ચૂંટણીઓ, સાંસદોની ચૂંટણીઓમાં, દરેક જગ્યાએ પ્રચાર કરે છે… દરેક સમયે તેઓ પોતાના વિશે જ બોલે છે – ‘તમારે બીજા કોઈને જોવાની જરૂર નથી, ફક્ત મોદીને જ જુઓ અને વોટ કરો. અમે તમારો ચહેરો કેટલી વાર જોશું? તમારા કેટલા રૂપ છે? શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?
થોડા દિવસો પહેલા, કોંગ્રેસના અન્ય એક નેતા મધુસુદન મિસ્ત્રીએ નરેન્દ્ર મોદીના નામ પર સ્ટેડિયમનું નામ બદલવાની વાત કરતી વખતે કહ્યું હતું કે “અમે મોદીજીને તેમની ઓકાત (સ્થાન) બતાવવા માગીએ છીએ.
બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ અને તેમના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કૉંગ્રેસના આવા વિધાનોનો તીવ્ર વિરોધ કર્યો હતો અને મોદીના અપમાનને ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન ગણાવ્યો હતો.
વડા પ્રધાન મોદીએ આજે કલોલની જાહેર સભામાં કૉંગ્રેસની બંને ટિપ્પણીઓનો જવાબ આપ્યો હતો.
પીએમ મોદીએ ખડગેના ‘રાવણ’વાળા વિધાન પર પ્રહાર કર્યા
RELATED ARTICLES