વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ સાથેની ચર્ચામાં ઑસ્ટ્રેલિયામાં મંદિરો પર થઇ રહેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અફસોસની વાત છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના સમાચાર નિયમિત આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આવા સમાચાર ભારતમાં દરેકને ચિંતિત કરે, અમારા મનને ખલેલ પહોંચાડે. મેં આ લાગણીઓ અને ચિંતાઓ વડાપ્રધાન અલ્બેનીઝ સુધી પહોંચાડી અને તેમણે મને ખાતરી આપી કે ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશોના અધિકારીઓ આ વિષય પર નિયમિત સંપર્કમાં રહેશે અને શક્ય તેટલો સહયોગ કરશે. તેમણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને પરસ્પર સુરક્ષાને વધારવાની રીતો પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે અમે વિશ્વસનીય અને મજબૂત ગ્લોલબ સપ્લાય ચેઈન વિકસાવવા પરસ્પર સહકારની ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું કે બંને પક્ષો વ્યાપક આર્થિક સમજૂતી પર કામ કરી રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્રે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં એકબીજાની સેનાઓ માટે લોજિસ્ટિકલ સપોર્ટ સહિત નોંધપાત્ર કરારો કર્યા છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝે કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક આર્થિક સહકાર કરારને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા સંમત થયા છે. મને આશા છે કે અમે આ વર્ષે તેને અંતિમ સ્વરૂપ આપીશું.