ડિજિટલ ઈન્ડિયા વીક 2022ના શુભારંભમાં PM મોદી વિવિધ યોજનાઓ લોન્ચ કરી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: PM મોદી મહાત્મા મંદિર પહોંચીને ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો શુભારંભ કર્યો હતો અને તેમણે ઈન્ડિયાટેક, માય સ્કીમ, ચીપ ટુ સ્ટાર્ટપ સહિતની વિવિધ પહેલનું ઉદ્ઘાટન કર્યું હતું.  પીએમ મોદીએ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો આજે 4 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે જનધન, મોબાઈલ અને આધાર એટલે કે JAMનો ફાયદો ગરીબોને થયો છે.

 

 

 

પીએમ મોદીએ કહ્યું હતું કે આજનો આ કાર્યક્રમ 21મી સદીમાં નિરંતર આધુનિક ભારતની જનક લઈને આવ્યો છે. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે. તેને ભારતે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વિશ્વ સમક્ષ રાખ્યું છે. મને ખુશી છે કે આઠ વર્ષ પહેલાં શરૂ કરેલું અભિયાન સમયની સાથે વિસ્તરી રહ્યું છે. બદલતાં સમય સાથે જે આધુનિક ટેક્નોલોજીને નથી અપનાવતા સમય તેમને પાછળ છોડીને આગળ નીકળી જાય છે. આજના કાર્યક્રમમાં નવા પ્લેટફોર્મ લોન્ચ થયા છે. તે ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારે છે. આ પ્લેફોર્મનો સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને લાભ થશે. મિનિમમ ગર્વનમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી દેશમાં નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. તેમજ ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. 8-10 વર્ષ પહેલાંની સ્થિતિ યાદ કરો બર્થ સર્ટિફિકેટ લેવા લાઈન, રાશન માટે લાઈન, એડમિશન માટે લાઈન, રિઝલ્ટ અને સર્ટિફિકેટ માટે લાઈન, બેંકમાં લાઈન. આ બધી સમસ્યાનું તેનું સમાધાન ઓનલાઈન થવાથી આવ્યું છે. DBTના માધ્યમથી વીતેલાં 8 વર્ષમાં રૂ. 23 લાખ કરોડથી વધારે સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા, ટેક્નોલોજીને કારણે લગભગ રૂ. 2 લાખ કરોડ જે કોઈ અન્યના હાથમાં જતાં હતાં તે બચી ગયા.  ગામમાં અગણિત સરકારી સેવાઓ ડિજિટલી આપવાથી છેલ્લા 8 વર્ષમાં 4 લાખથી વધારે નવા કોમન સર્વિસ સેન્ટર જોડવામાં આવ્યા છે. આજે ગામના લોકો આ કેન્દ્રો થકી ડિજિટલ ઈન્ડિયાનો લાભ લઈ રહ્યા છે.  છેલ્લા 8 વર્ષમાં ડિજિટલ ઈન્ડિયાને દેશમાં એ સામર્થ્ય આપ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવામાં ભારતે ખૂબ મદદ કરી છે. જો ડિજિટલ ઈન્ડિયા અભિયાન ન હોત તો 100 વર્ષમાં આવેલા આ સૌથી મોટા સંકટના સમયે આપણે દેશમાં શું કરી શકત?

અમે દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, મજૂરોના બેંક ખાતામાં એક ક્લિકથી હજારો કરોડો રૂપિયા પહોંચાડી દીધા છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી અમે 80 કરોડથી વધારે દેશવાસીઓને મફતમાં રાશન સુનિશ્ચિત કર્યું છે.

આ  ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે ટેકનોલૉજીના માધ્યમ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’,  ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’,‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે.

સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનો પ્રથમ ક્રમ આવ્યો છે. 2014 બાદ ડિજિટલ ઇન્ડિયાનો વિચાર પીએમ મોદીને આવ્યો. 2015માં ડિજિટલ ઇન્ડિયા વિકની શરૂઆત થઈ. ડિજિટલ ટેકનોલોજીના કારણે સરકારને ખૂબ ફાયદો થયો છે. ભારત સરકાર 16 વિભાગેને એક પ્લેટફોર્મ પર લાવી છે. સરકારની અનેક યોજનાઓનો લાભ ડિજિટલ રીતે મળી રહે છે. નાગરિકોને ઘર આંગણે જ ડિજિટલ સેવાઓનો લાભ મળી રહે છે. ડિજિટલ સેવા સેતુના માધ્યમથી લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારી યોજનાઓનો લાભ મળી રહે છે. આજે ગુજરાતની પંચાયત ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ બની છે. ડિજિટલ બાબતો સરકારનું ત્રીજું નેત્ર બન્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.