મુંબઈ: ગઈકાલે લોકસભામાં વિરોધ પક્ષને આડે હાથ લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હલ્લા બોલ આજે રાજ્યસભામાં યથાવત રહ્યું હતું. આજે પણ રાજ્યસભામાં તીખા શબ્દોમાં વિરોધ પક્ષની ટીકા કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે જેની પાસે જે હતું એ એણે આપ્યું. આ ટીપ્પણી કરીને તેમણે કોંગ્રેસ તરફ આડકતરો ઈશારો કર્યો હતો.
રાજ્ય સભામાં બોલતી વખતે પીએમ મોદીએ એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસે છ દાયકા સુધી દેશને બરબાદ કર્યો છે. દેશના સવાલો કે સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયાસ સુધ્ધા તેમણે નથી કર્યો. 60 વર્ષમાં કોંગ્રેસે દેશમાં માત્ર ખાડા જ ખોદી રાખ્યા છે. વડા પ્રધાનની આ ટિપ્પણી પર સત્તાધારી પક્ષે દાદ આપી તો વિરોધ પક્ષના નેતાઓએ નારેબાજી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોતાના ભાષણમાં વિરોધ પક્ષ પર ટીકા કરવાનો એક પણ મોકો જતો નહોતો કર્યો.
છેલ્લાં છ વર્ષમાં અમે લોકોએ દેશની કાયમી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, અમે લોકો મુશ્કેલી કે પડકારથી ડરનાલા લોકો નથી, પણ એથી વિપરીત તેનો ઉકેલ લાવનારા છીએ. દેશમાં કમળ ખીલવવામાં માત્ર ભાજપ જ નહીં પણ વિપક્ષોનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે, એવું પણ રાજ્યસભાના પોતાના ભાષણમાં મોદીએ જણાવ્યું હતું.
દરમિયાન વિપક્ષના નેતાઓએ મોદી-અદાણી ભાઈ-ભાઈ એવી નારેબાજી પણ કરી હતી. નવ વર્ષના એનડીએના કાર્યકાળમાં કરવામાં આવેલા કામોની માહિતી આપતા વડા પ્રધાન મોદીએ એવું પણ કહ્યું હતું કે દેશમાં કમળ ખીલવવામાં વિપક્ષોનું પણ યોગદાન રહ્યું છે. તેઓ જેટલો વધુ કાદવ ઉછાળશે એટલું જ કમળ સારી રીતે ખીલશે. કેટલાક લોકોના નિવેદશો દેશને નિરાશ કરે છે. વિરોધ પક્ષના નેતાઓની નારેબાજી વચ્ચે પણ પીએમ મોદીએ પોતાનું ભાષણ ચાલુ જ રાખ્યું હતું.