અક્ષય કુમારને બોલીવૂડમાં મિસ્ટર ખિલાડીના નામે પણ ઓળખવામાં આવે છે અને તે ઈન્ડસ્ટ્રીનો એક એવો અભિનેતા છે કે જેને સૌથી વધુ ફી મળે છે. અક્કીએ થોડાક વર્ષો પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો અને આ ઈન્ટરવ્યુમાં અક્કીએ પીએમ મોદીને તેમની રાજકીય કારકિર્દી છોડીને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ સવાલો પૂછ્યા હતા. આ જ વાત-ચીત દરમિયાન પીએમ મોદીએ અક્કીની પત્ની ટ્વીન્કલ વિશે એવો ખુલાસો કર્યો હતો કે જેને સાંભળીને ખુદ અક્કી પણ હસવાનું રોકી શક્યો નહોતો.
સોશિયલ મીડિયાના યુઝ પર પીએમ મોદીએ અક્કીને કહ્યું હતું કે હું તમારું અને ટ્વીન્કલજીનું ટ્વીટર પણ જોતો હોઉં છું. તમારા લગ્નજીવનમાં ખૂબ જ શાંતિ હશે, કારણ કે એ બધો જ ગુસ્સો મારા પર ઉતારે છે.
વાત જાણે એમ છે કે પીએમ મોદીએ આવું એટલા માટે કહ્યું હતું કે ટ્વીન્કલ સામાજિક મુદ્દાઓ પર ખુલીને પોતાની રાય આપે છે. ઘણી વખત તો તે સરકારની ટીકા કરતી પણ જોવા મળે છે. આ જ વાતને ધ્યાનમાં લઈને પીએમ મોદીજીએ મજાકમાં કહ્યું હતું કે ટ્વીન્કલ ખન્ના તેમના પર પોતાનો ગુસ્સો ઉતારે છે. જોકે, પીએમ મોદીના આ કમેન્ટ પર અક્કી અને પીએમ ખુદ બંને હસતા દેખાયા હતા.
ઉલ્લેખનીય છે કે અક્કીએ આ ઈન્ટરવ્યુ પીએમના નિવાસસ્થાને લીધો હતો, આ ઈન્ટરવ્યુને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં અક્કી ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ સેલ્ફીમાં જોવા મળ્યો હતો. જે બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં નુસરત ભરુચા, ડાયના પેન્ટી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.