પીએમ નરેન્દ્ર મોદી પોતાની પ્રતિભા અને તેજસ્વિતાથી હંમેશા જ લોકોને પ્રભાવિત કરે છે અને તેમનો આ જાદુ મિત્ર દેશ નહીં પણ જે દેશ સાથે સંબંધો સારા નથી એવા દેશોમાં પણ જોવા મળી રહ્યો છે. ભારત-ચીનના સંબંધો ભારત-ચીન વચ્ચેના સંબંધો કંઈ આજકાલના નથી. રોલર કોસ્ટર રાઈડવાળા આ રિલેશનશિપમાં લાંબા સમયથી તાણ જોવા મળી રહ્યો છે. આ રિલેશનશિપ તો આવી જ છે અને આ જ રીતે ચાલ્યા કરશે, પણ આજે આપણે અહીં વાત કરીશું કે આ ચીનાઓને પણ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની મોહિની લાગી છે.
ચીનના પત્રકાર મ્યૂ ચુનશાને પોતાના લેખમાં ભારતના પ્રધાનમંત્રી પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમણે લખ્યું છે કે ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનું ચીની ઈન્ટરનેટ પર એક નિકનેમ છે. મોદી લાઓશિઆન(Modi Laoxian). લાઓશિઆનનો ઉપયોગ કેટલીક અનોખી ક્ષમતાઓવાળા ‘અમર વડીલ’ વ્યક્તિ માટે થાય છે. આ નિક નેમનો અર્થ એ છે કે ચીનના સોશિયલ મીડિયા યૂઝર્સ એવું વિચારે છે કે પીએમ મોદી અન્ય નેતાઓની સરખામણીમાં અલગ અને અદભૂત છે. તેઓ તેમના પહેરવેશ અને શારીરિક બનાવટ, બંનેની તરફ ઈશારો કરે છે. તેમની કેટલીક નીતિઓ ભારતની પાછલી નીતિઓ કરતા અલગ છે.
અત્રે જણાવવાનું કે ચીનમાં લાઓશિયાન શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે થાય છે જે અમર હોય અને જેની પાસે સ્પેશિયલ પાવર હોય. આગળ તેમણે પોતાના લેખમાં એવું પણ લખ્યું છે કે ‘વિશેષ રીતે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાના પ્રમુખ દેશો વચ્ચે સંતુલન જાળવી શકે છે. પછી ભલે તે રશિયા હોય, અમેરિકા હોય કે ગ્લોબલ સાઉથના દેશો, ભારત તે બધા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખી શકે છે. જે કેટલાક ચીની સોશિયલ મીડિયા યૂઝર્સ માટે ખુબ પ્રશંસનીય છે. આથી ‘લાઓશિઆન’ શબ્દ પીએમ મોદી પ્રત્યે ચીની લોકોની જટિલ ભાવનાને દર્શાવે છે. જેમાં જિજ્ઞાસા અને આશ્ચર્ય પણ સામેલ છે.’
ચુનશાન લખે છે કે હું લગભગ 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય મીડિયા માટે રિપોર્ટિંગ કરી રહ્યો છું અને ચીની સોશિયલ મીડિયા યૂઝર્સ માટે કોઈ વિદેશી નેતાને નિક નેમ આપવું એ ખરેખર એક દુર્લભ ઘટના છે. મોદીનું નિક નેમ અન્ય તમામ કરતા ઉપર છે. સ્પષ્ટ રીતે તેમણે ચીની જનતાના પોતાના વિશેના મતને પ્રભાવિત કર્યો છે.