નવી દિલ્હીઃ સંસદમાં છેલ્લાં કેટલાય સમયથી અદાણી પ્રકરણે વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે સંસદમાં અદાણી અને બીજા અન્ય પ્રશ્નો ઉપસ્થિત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર પર નિશાનો સાધ્યો હતો. આજે સંસદમાં મોદી રાહુલ ગાંધીના સવાલોના શું જવાબ આપે છે એ તરફ લોકોનું ધ્યાન હતું અને મોદીએ પણ લોકોની આ ઉત્સુક્તાને સંતોષતા રાહુલને ખાસ અંદાજમાં જવાબ આપ્યો હતો.
મોદીએ શેરો-શાયરી કરીને રાહુલ ગાંધીને જવાબ આપ્યો હતો. પોતાના ભાષણની શરુઆતમાં જ મોદીએ રાહુલનું નામ લીધા વિના શાયરાના અંદાજમાં તેમના પર પલટવાર કર્યો હતો. મોદીએ જણાવ્યું કે હું કાલે જોઈ રહ્યો હતો કે કેટલાક લોકોના ભાષણ બાદ તેમના સમર્થકો ઉછળી રહ્યા હતા. વળી કેટલાક લોકો તેમના વખાણ કરીને કહી રહ્યા હતા કે યે હુઈ ના બાત.. એ લોકોને ગઈકાલે સારી ઊંઘ આવી હશે અને કદાચ આજે તેઓ સવારે ઉઠી પણ નહીં શક્યા હોય આવા લોકો માટે એક સારી વાત છે અને એ વાત એટલે-
યે કહ કહકર હમ દિલ કો બહલા રહે હૈ,
વો અબ ચલ ચૂકે હૈ વો અબ આ રહે હૈ…
આ શાયરાના અંદાજમાં મોદીએ રાહુલ ગાંધી પર હલ્લાબોલ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રાહુલ ગાંધીએ સદનમાં મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે આખરે સરકાર અને અદાણી વચ્ચે શું સંબંધ છે? ગૌતમ અદાણી 609 નંબરના વ્યક્તિમાંથી બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ કેવી રીતે બન્યા.આ આખો જાદુ મોદી સરકાર આવ્યા પછી થયો છે.