PM મોદી મહાકાળીના શરણે: ૫૦૦ વર્ષ બાદ પાવાગઢ મંદિરના શિખર પર ધજા લહેરાઇ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. આજે સવારે માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ વડાપ્રધાન માં મહાકાળીના આશીર્વાદ લેવા પાવાગઢ પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ છે અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાનના હસ્તે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ એક ઐતિહાસિક ક્ષણ હતી પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર આજે ૫૩૮ વર્ષ બાદ ધજા લહેરાઈ છે.


પાવાગઢ ડુંગર પુનઃનિર્મિત માતાજીના મંદિરનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે વર્ષો બાદ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનું સૌભાગ્ય મળ્યું. આજે મારુ જીવન ધન્ય થઈ ગયું. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે. ૫ સદીઓ બાદ મહાકાળીના શિખર પર આજે ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. લોકોને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનુ પ્રતિક નથી, પણ એ સંદેશો આપે છે કે સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે. માતાજી મને પણ આશીર્વાદ આપે કે હું વધુ ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનનો સેવક બનીને તેમની સેવા કરું.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયુ ત્યાર બાદ પણ લોકો ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વ સામે પડકાર હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત સરદાર પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર દ્વારા કરી હતી. આજે અયોધ્યા હોય, કાશી હોય કે કેદારનાથ હોય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આ આધ્યાત્મિક સ્થળ નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યુ છે. આજે તેમનુ સપનુ પૂરુ થયું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ.

તેમણે કહ્યુ કે, પહેલા આ મંદિર પરિસરમાં બે ડઝન લોકો એક સાથે પણ પહોંચી શક્તા ન હતા, પરંતુ આજે એકસાથે ૧૦૦ લોકો પૂજા કરી શકે તેવી વ્યવસ્થા છે. આ વિકાસ બાદ હવે મુસાફરોની સંખ્યા પણ વધશે. હવે લોકો સરળતાથી માતાની ચરણોમાં આવી શકે છે. આજે હું પણ અહી ટેકનોલોજી થકી રોપવેથી આવ્યો. રોપવેથી પાવાગઢની અદભૂત સુંદરતાનો આનંદ મળે છે. પાવાગઢ, અંબાજી, સોમનાથ, દ્વારકેશના આર્શીવાદથી જ ગુજરાત ગૌરવવંતુ બન્યુ છે. આજે ગુજરાતની આ ઓળખ આકાશ આંબી રહી છે. કવિ નર્મદે ગુજરાતની ગૌરવવાથા વર્ણવતા જે તીર્થના નામ લીધા છે, તે તમામમાં વિકાસ થયો છે. ગુજરાતના તીર્થોમાં હવે દિવ્યતા, શાંતિ, સમાધાન અને સુખ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.