પીએમ મોદીના પરિક્ષા પે ચર્ચા સેશનમાં લાખો વિદ્યાર્થીઓએ અનેક સવાલો પૂછ્યા હતા, પણ આ બધા પ્રશ્નો વચ્ચે સૌથી મહત્ત્વનો સવાલ તો હરિયાણા અને જમ્મુના વિદ્યાર્થીએ પૂછ્યો હતો અને આ પ્રશ્નનો જે જવાબ મોદીજીએ આપ્યો છે એ માત્ર વિદ્યાર્થી જ નહીં પણ આપણે પણ આપણા જીવનમાં ઉતારવા જોઈએ. હરિયાણાના પલવલ ખતે શહિદ નાયક રાજેન્દ્ર સિંહ રાજકીયા મૌલિક સંસ્કૃતિ સિનિયર કોલેજમાં 12મા ધોરણમાં સાયન્સમાં ભણી રહેલાં પ્રશાંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે જ્યારે આપણે સખત મહેનત કરીએ છીએ, પણ એના ફળ ના મળે ત્યારે સ્ટ્રેસમાંથી કેવી રીતે બહાર આવી શકાય? પરીક્ષાના સ્ટ્રેસમાંથી કઈ રીતે બહાર આવવા માટે મોદીએ ત્રણ મહત્ત્વના મુદ્દા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા અને આજે આપણે અહીં એ મુદ્દાઓ વિશે વાત કરીશું-
પરિસ્થિતિનો સ્વીકાર કરો…
પરીક્ષાનું રિઝલ્ટ આવી જાય ત્યાર બાદના ટેન્શન આવે તેનું મુખ્ય કારણ એટલે એક તો પરીક્ષા આપ્યા બાદ આપણે આપણા પરિવારને કહીએ છીએ કે પેપર સારું ગયું છે અને મને 90 ટકા ગેરન્ટી છે કે મેં ખૂબ સારી રીતે બધા સવાલોના જવાબ લખ્યા છે. આવું કહેવાને કારણે ઘરના લોકોને ધરપત થાય છે, પણ વિદ્યાર્થીઓ આવો જવાબ આપે ત્યારે એના પાછળ એક કારણ એવું પણ હોય છે કે જો વઢ ખાવી જ છે તો એક મહિના પાછી ખાઈ લેશું… પણ તમારા આવા જવાબને કારણે તમારા ઘરના લોકોને એવું લાગે છે કે તમે સાચું બોલી રહ્યા છો અને પરિણામ સારું જ આવશે એવી ધારણા બાંધી લે છે. એ લોકો પણ તેમને પૂછનારા લોકોને તમે આપેલો જવાબ જ આપે છે અને કહે છે કે તમે ખૂબ મહેનત કરી છે, પરિણામ સારું જ આવશે, પણ જ્યારે પરિણામ આવે છે 40 ટકા ત્યારે મુશ્કેલી થાય છે. એટલે શરુઆતથી જ વાસ્તવિક્તાનો સામનો કરો અને જે હકીકત છે એ જ ઘરે જણાવો. જો પેપર સારું નથી ગયું તો ઘરે કહી દો કે પેપર સારું નથી ગયું. ત્યાર બાદ જો તમારી ધારણા કરતાં પાંચ માર્કસ પણ વધારે આવશે તો પરિવાર તમારી મહેનતને વખાણશે જ…
કોમ્પિટિશનમાં પડશો નહીં…
માન્યું કે જમાનો કોમ્પિટિશનનો જ છે, પરંતુ રાત દિવસ બસ હરિફાઈ અને કોમ્પિટિશનના વિચારોમાં જ જીવવું જરા પણ યોગ્ય નથી. હોશિયાર બાળકો સાથે પોતાના સંતાનની કે પોતાની તુલના કરવાનું જરા પણ યોગ્ય નથી. દરેક જણે પોતાની ક્ષમતાનો વિચાર કરવો જોઈએ અને તેના પર જ કામ કરવું જોઈએ. આવું કરીને અડધા તાણમાંથી તો એમને એમ મુક્તિ મળી જાય છે.
પરીક્ષા એટલે જીવનનો અંત નથી જ…
જે દિવસે આપણે એવું માનવા લાગીએ છીએ કે પરીક્ષામાં નિષ્ફળતા મળી એટલે જીવન પૂરું થઈ ગયું એટલે ટેન્શન તો આવશે જ. પણ એવું નથી હોતું. જીવનના સ્ટેશન પર જો કોઈ એક ટ્રેન ચૂકાઈ ગઈ તો બીજી ટ્રેન આવીને તમને કોઈ બીજા મોટા સ્ટેશન સુધી તો પહોંચાડવાની જ છે. ચિંતા કરશો નહીં અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી પરીક્ષા એટલે જીવનનો અંત તો નથી જ…