નરેન્દ્ર મોદીની એકનાથ શિંદેને ખાતરી મહારાષ્ટ્રને વેદાંતા-ફોક્સકોનના કદનો પ્રોજેક્ટ મળશે: ઉદય સામંત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

થાણે: સેમીકંડક્ટર મેગા વેદાંતા-ફોક્સકોન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યા બાદ વિરોધ પક્ષની આક્રમકતાને જોતાં મહારાષ્ટ્ર સરકારે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ખાતરી આપી છે કે મહારાષ્ટ્રને પણ વેદાંતા-ફોક્સકોનના કદનો પ્રોજેક્ટ મળશે.
રાજ્યના ઉદ્યોગ ખાતાના પ્રધાન ઉદય સામંતે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટને ગુજરાતમાં ખસેડવામાં આવ્યા બાદ મુખ્ય પ્રધાને મંગળવારે સાંજે વડા પ્રધાન સાથે વાત કરી હતી. સામંતે વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે અગાઉની સરકાર કંપનીને સંતોષકારક પ્રતિસાદ આપી શકી નહોતી અને એમવીએ સરકારની વ્યવસ્થા આ પ્રોજેક્ટ અન્યત્ર ખસેડાયો હોવા માટે જવાબદાર છે. વેદાંતાએ મહારાષ્ટ્ર સરકાર કરતાં ગુજરાત પર શા માટે પસંદગી ઉતારી એ જાણવા માટે સરકાર સમીક્ષા કરશે, એવું સામંતે વધુમાં જણાવ્યું હતું.
તત્કાલીન એમવીએ સરકાર સાત મહિના સુધી પ્રોજેક્ટ ઓફર પર રાહ જોતી બેઠી હતી. ૭મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ મહારાષ્ટ્રના તત્કાલીન ઉદ્યોગપ્રધાને જાહેર કર્યું હતું કે વેદાંતા-ફોક્સકોને મહારાષ્ટ્રમાં આવવામાં રસ નથી. એ દરમિયાન તામિલનાડુ, ગુજરાત અને કર્ણાટક સહિતનાં રાજ્યો ઈચ્છતાં હતાં કે એ પ્રોજેક્ટ એમના રાજ્યમાં આવે, એવું સાવંતે જણાવ્યું હતું. બીજી બાજુ નવી સરકારે જુલાઈ મહિનામાં ૩૮,૮૩૧ કરોડનું ઈન્સેન્ટિવ મંજૂર કર્યું હતું.
વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં લાવવાની દરખાસ્ત હતી, પરંતુ આ પ્રોજેક્ટને ગુજરાતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને મંગળવારે તે સરકાર સાથે સંયુક્ત રીતે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે ત્યાર બાદ રાજકીય દોષારોપણની રમત શરૂ થઇ હતી.
મુખ્ય પ્રધાને વેદાંતા (ફોક્સકોન-સેમીકંડક્ટર પ્રોજેક્ટ) પર વડા પ્રધાન સમક્ષ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. આ મુદ્દે મુખ્ય પ્રધાને વડા પ્રધાન સાથે વિગતવાર ચર્ચા કરી હતી. વડા પ્રધાને આ સમયે ખાતરી આપી હતી કે મહારાષ્ટ્રને આવો કે તેનાથી પણ વધુ સારો પ્રોજેક્ટ મળશે, એવું સામંતે કહ્યું હતું.
સામંતે એવો દાવો પણ કર્યો હતો કે મહારાષ્ટ્ર માટે પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે છેલ્લા આઠ મહિનાથી ચર્ચા ચાલી રહી હતી અને દાવોસમાં આ માટે બેઠક પણ યોજાઇ હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને શિંદે સરકાર બેરોજગારીના મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતીય ગ્રુપ વેદાંતા અને તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ફોક્સકોનના સંયુક્ત સાહસે મંગળવારે રાજ્યમાં સેમીક્ધડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર
કર્યા હતા. વેદાંત-ફોક્સકોન આની પાછળ ૧.૫૪ લાખ કરોડનું રોકાણ કરશે. આને કારણે ૧ લાખ નોકરીની તકો ઊભી થશે.
(પીટીઆઈ)

મુંબઈ આખું ગુજરાત ચાલ્યું જશે ત્યારે પણ નવાઈ નહીં થાય: નાના પટોલે

વેદાંતા-ફોક્સકોન સેમીક્ધડક્ટર પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી સરકી ગયા બાદ દોષારોપણની ચાલી રહેલી રમત વચ્ચે પ્રદેશ કોંગ્રેસપ્રમુખ નાના પટોલેએ બુધવારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં મુંબઈ ગુજરાતમાં જાય તો પણ તેમને આશ્ર્ચર્ય થશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે વેદાંતા પ્રોજેક્ટ એક સમયે મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત હતો. જોકે હવે વેદાંતા-ફોક્સકોને પ્રોજેક્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

મુખ્ય પ્રધાન શિંદે વિકાસ માટે ગંભીર નથી: એનસીપી

સેમીકંડક્ટર મેગા વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટને ગુજરાતમાં ધરી દેવાની કિંમતે શું એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, એવું એનસીપીએ બુધવારે જણાવ્યું હતું. એનસીપીના પ્રવક્તા મહેશ તાપસેએ કહ્યું હતું કે એકનાથ શિંદે એક શિવસૈનિક છે, પણ તેઓ કોની સેવા કરી રહ્યા છે, મહારાષ્ટ્રની કે પછી ગુજરાતની.આ પ્લાન્ટ અગાઉ મહારાષ્ટ્રમાં સ્થપાવાનો હતો અને એમવીએ સરકારે આ માટે અનેક બેઠકો પણ કરી હતી, પણ હવે એવું જણાઇ રહ્યું છે કે એકનાથ શિંદેને ગુજરાતના આટલા મોટા રોકાણના પ્લાન્ટને ગુમાવવાની કિંમતે જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ખરેખર એકનાથ શિંદે કોના હિતમાં કામ કરી રહ્યા છે, મહારાષ્ટ્રના કે પછી ગુજરાતના, એવો સવાલ તાપસેએ કર્યો હતો.

ગુજરાત તો આ પ્રોજેક્ટ માટે સ્પર્ધામાં પણ નહોતું: દાનવે

ગુજરાતને મેગા વેદાંતા-ફોક્સકોન સેમીકંડક્ટર પ્રોજેક્ટ મળ્યાના એક દિવસ બાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ દાવો કર્યો હતો કે ગુજરાત પાસે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને તેથી ગુજરાત તો પ્રોજેક્ટ મેળવવાની સ્પર્ધામાં પણ નહોતું. મહારાષ્ટ્ર, તેલંગણા અને કર્ણાટક ફોક્સકોન-વેદાંતા સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સ્પર્ધા કરી રહ્યાં હતાં. આ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉચ્ચ સ્તરીય ટેક્નિકલ વાતાવરણની જરૂર છે, તેથી આ ત્રણ રાજ્યો એકબીજાં સાથે સ્પર્ધા કરી રહ્યાં હતાં, એવો દાવો શિવસેનાના નેતા દાનવેએ કર્યો હતો.

શંકા તો એ સમયે જ ઊભી થઇ હતી: સુભાષ દેસાઈ

રાજ્યમાં ફોક્સકોન-વેદાંતાના પ્રસ્તાવિત સેમીકંડક્ટર પ્રોજેક્ટને જ્યારે એમવીએ સરકાર સત્તામાં હતી ત્યારે આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું, પણ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકારને એ સાકાર થશે કે કેમ તે અંગે શંકા
થવા લાગી હતી જ્યારે વેદાંતાના અનિલ અગ્રવાલે તેમને કહ્યું હતું કે માત્ર કેન્દ્રની સંમતિની રાહ જોવાઇ રહી છે, એવો દાવો બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ કર્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરતાં સુભાષ દેસાઇએ કહ્યું હતું કે જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકાર ફોક્સકોન સાથે વાટાઘાટ કરી રહી હતી ત્યારે કર્ણાટક અને તેલંગણા બે જ રાજ્યો સ્પર્ધામાં હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.