મધ્ય પ્રદેશમાં મોદી! જન્મદિવસે વડા પ્રધાને કહી આ મોટી વાતો, કહ્યું દેશની દીકરીઓ અને બહેનો મારી શક્તિનો સ્ત્રોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પીએમ નરેન્દ્ર મોદી તેમના જન્મદિને મધ્ય પ્રદેશમાં છે. સવારે તેમણે નામીબિયાથી લાવવામાં આવેલા
ચીત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતાં. જે બાદ તેમણે શ્યોપુર મહિલા સ્વયં સહાયતા સંમેલનના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અનેક વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે, મને આજે એ વાતની ખુશી છે કે ભારતની ધરતી પર 75 વર્ષ બાદ ચીત્તાઓની વાપસી થઈ છે. ચીત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. તેમણે નામીબિયા સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

મોદીએ કહ્યું હતું કે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે હું તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ આપું છું. જો મારા
જન્મદિને કોઈ કાર્યક્રમ ન હોત તો હું મારી માતા પાસે જઈને તેના આશિર્વાદ લેત. આજે હું મારી માતા
પાસે આશિર્વાદ લેવા નહીં જઈ શક્યો, પરંતુ મારી મારી માતા જોઈ રહી હશે કે મધ્ય પ્રદેશની
આદિવાસી સમુદાયની લાખો માતાઓ મને આશિર્વાદ આપી રહી છે. આ જોઈને તેમને સંતોષ જરૂર
થયો હશે.

સદી પહેલાનું ભારત અને હમણાના ભારતમાં જમીન આસમાનનો ફરક છે. આજના ભારતમાં પંચાયત
ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારીશક્તિ દેખાઈ રહી છે. જે ક્ષેત્રોમાં મહિલાઓ પ્રતિનિધિત્વ કરી
રહી છે ત્યાં સફળતા નિશ્ચિત થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા એ જીવંત ઉદાહરણ છે,
જેનું નેતૃત્ત્વ મહિલાઓએ કર્યું. મારા દેશની માતાઓ, બહેનો અને દીકરીઓ મારું સૌથી મોટું સુરક્ષા કવચ છે. શક્તિનો સ્ત્રોત છે, મારી પ્રેરણા છે.

છેલ્લાં આઠ વર્ષોમાં સ્વયં સહાયતા સમુહોને સશક્ત બનાવવા માટે તમામ પ્રકારની મદદ અમે કરી છે. આજે દેશભરથી આઠ કરોડથી વધુ બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. ગ્રામિણ પરિવારથી ઓછામાં ઓછી એક બહેન આ અભિયાનમાં જોડાય એ અમારું લક્ષ્ય છે. ગામની અર્થવ્યવસ્થામાં મહિલા ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માટે અને તેમના માટે નવી સંભાવનાઓ બનાવવા માટે અમારી સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટના માધ્યમથી તમામ જિલ્લાના લોકલ પ્રોડક્ટ્સને મોટી બજારો સુધી પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.

પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત સાત દાયકા પહેલા લુપ્ત થયેલા ચિત્તાઓનું ફરી એક વાદ દેશમાં આગમન થયું છે. આ પર્યાવરણ અને વન્ય જીવ સંરક્ષણની દિશામાં સરકારનો એક પ્રયાસ છે. આ અંગે તેમણે કહ્યું હતું કે, વર્ષ 1952માં ચિત્તાઓને લુપ્ત જાહેર કરવામાં આવ્યા એ દુર્ભાગ્યપૂર્ છે. તેને પાછા લાવવાના પ્રયાસો કરવામાં ન આવ્યા, જોકે, ભારતમાં ફરી એક વાર ચિત્તાઓનો વસવાટ થાય તે કાર્યક્રમને મદદ કરવા માટે નામીબિયા સરકારનો આભાર વ્યક્ત કરું છું. ચિત્તા આપણાં મહેમાન છે. કુનો નેશનલ પાર્કમાં તેમને પોતાનું ઘર બનાવવા માટે કેટલાક મહિનાઓનો સમય આપવો પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.