દેવાના બોજથી પરેશાન એક વ્યક્તિએ આત્મહત્યાનું કાવતરું ઘડ્યું અને આ ભયાનક ષડયંત્રને પણ અંજામ આપ્યો હતો. અંતે તે પકડાઇ ગયો હતો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
પુરંદર તહસીલના થાપેવાડીમાં ત્રણ વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં આ ચૂકાદો આપવામાં આવ્યો છે. લોન પરત નહીં કરી શકતા તેણે આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ ઘણા મહિનાઓથી આ મામલે તપાસ કરી રહી હતી, પોલીસને શંકા હતી કે મૃત્યુ સામાન્ય રીતે થયું નથી. તપાસ બાદ પોલીસને સત્ય ખબર પડી હતી અને તેમણે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મંગળવારે શિવાજી નગર કોર્ટે આ કેસમાં ગુનેગારને આજીવન કેદની સજા સંભળાવી છે.
ઘટનાની વિગત મુજબ બારામતી તહસીલના રહેવાસી વિઠ્ઠલ ચવ્હાણ ઘણા દેવાના બોજથી દબાયેલો હતો. આ બાબતને લઈને તે ઘણીવાર ચિંતિત રહેતો હતો. એવામાં તેની ઓળખાણ વિનાયક ઉર્ફે પિન્ટુ તારાચંદ નામના વ્યક્તિ સાથે થઈ હતી. તારાચંદને દારૂની લત હતી. વિઠ્ઠલ ચવ્હાણે તેને ઘણી વખત દારૂ પીવડાવ્યો હતો. વિઠ્ઠલે એક દિવસ વિનાયકને નશામાં ધૂત કર્યા પછી તેને પોતાના કપડા પહેરાવીને પુરંદર તહસીલના થાપેવાડી વિસ્તારમાં તેની કારમાં લઈને આવ્યો હતો. આ પછી તેણે વિનાયકને કારની અંદર બંધ કરી દીધો અને પોતાની કારને આગ ચાંપી દીધી. આ પછી તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
પોલીસને કાવતરાની ગંધ આવતા તેમણે તપાસ શરૂ કરી હતી, જેમાં આખરે વિઠ્ઠલ હાથ આવ્યો હતો. થોડા સમય સુધી તે ડોળ કરતો રહ્યો કે તે વિઠ્ઠલ નથી, પણ તે પોતાનું જુઠ્ઠું વધારે સમય સુધી છુપાવી શક્યો નહોતો. પોલીસે વિઠ્ઠલ ચવ્હાણને શિવાજી નગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ત્રણ વર્ષ બાદ આજીવન કેદની સજા ફટકારી છે અને ત્રણ લાખ રૂપિયાનો દંડ પણ ભરવા જણાવ્યું છે.
લોનની ચુકવણી ટાળવા માટે પોતાના મૃત્યુનું કાવતરું રચ્યું!
RELATED ARTICLES