સોશિયલ મીડિયાની ગમે તેટલી ટીકા કરો, પણ ઘણા એવા વિષયો તે લાવતું હોય છે જે નાગરિક અને ગ્રાહક તરીકે તમારી માટે ખૂબ જરૂરી હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કમ્પોઝિશન જીએસટી વિશે વાત કરવામાં આવી છે. આ વાત આપણે જાણવી જરૂરી છે કારણ કે તે સીધી આપણી એટલે કે ગ્રાહકો સંબંધિત છે. આ વીડીયોમાં એક વ્યક્તિ રેસ્ટોરાંમાં જમવા જાય છે. વેઈટર તેને બિલ આપે છે. તે બિલ જુએ છે અને પછી મોબાઈલમાં કંઈક ચેક કરે છે. તે બાદ તે વેઈટરને કહે છે કે તમારું રેસ્ટોરાં તો જીએસટી કમ્પોઝિશન સ્કીમમાં રજિસ્ટર્ડ છે, તો તમે મારી પાસેથી જીએસટી કઈ રીતે વસૂલો છો…વેઈટર પૂછે છે કે તમે ક્યાંથી ખબર પડી ત્યારે તે કહે છે કે તમારો જીએસટી નંબર જીએસટી પોર્ટલમાં નાખવાથી બધી માહિતી મળી જાય છે.
તો શું તમને ખબર છે કે છેલ્લીવાર તમે જ્યાં ભોજન લેવા ગયા ત્યાં તમે જીએસટીની રકમ આપી હતી ? જો આ રકમ તમે આપી હતી તો તે રેસ્ટોરાં જીએસટી કમ્પોઝિશન સ્કીમનો લાભ લે છે કે નહીં તે તમને ખબર છે ? નહીં ને ? તે માટે જ આ માહિતી અમે તમારી માટે લાવ્યા છે. તો જાણી લો, જે પણ કોઈ વ્યાવસાયિક એકમ જીએસટી કમ્પોઝિશન સ્કીમમાં જોડાયુ હોય તે ગ્રાહક પાસેથી સીધો જીએસટી વસૂલી શકતું નથી.
કેન્દ્ર સરકારે તાજેતરમાં નવા નાણાકીય વર્ષ માટે આ સ્કીમમાં ભાગ લેવાની મર્યાદા વાર્ષિક એક કરોડથી વધારી દોઢ કરોડ કરી છે. સરકારે નાના વ્યાવસાયિક એકમો ધરાવતા લોકો માટે આ એક વિકલ્પ આપ્યો છે. આ વ્યાવસાયિક એકમધારકો પોતાના ટર્નઓવર પર નિર્ધારિત ત્રિમાસિક ટેક્સ ભરી શકે છે અને તેમણે જીએસટીના સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો રહેતો નથી. જો તેઓ આ સ્કીમ હેઠળ હોય તો તેઓ ગ્રાહકો પાસેથી જીએસટી પેટે કોઈપણ ચાર્જ વસૂલ કરી શકતા નથી.
આ અંગે ઓલ ઈન્ડિયા ઈમ્પોર્ટ ફેડરેશનના સેક્રેટરી હિરેનભાઈ ગાંધીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે કમ્પોઝિશન સ્કીમ હેઠળ આવતા એકમોએ ગ્રાહકો પાસેથી વસૂલવાનું હોતું નથી. જોકે ઘણીવાર એમ બને છે કે એક પ્રિમાઈસમાં એક પાર્લર અને એક રેસ્ટોરાં હોય અને બન્નેના અલગ અલગ જીએસટી નંબર હોય, એક કમ્પોઝિશન સકીમ હેઠળ હોય અને એક ન હોય, પરંતુ બિલ બુક એક જ હોવાથી જીએસટી ગ્રાહકો પાસેથી વસૂલાતો હોય અને સરકાર સુધી ન પહોંચતો હોય. તેમણે સૂચન કર્યું હતું કે સરકારે વધારે સખત રૂખ અપનાવી આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવું જોઈએ. મુંબઈ ખાતે આહારના પ્રમુખ આદર્શ શેટ્ટીએ પણ જણાવ્યું હતું કે ગ્રાહકો જીએસટી એપ પર નંબર ટાઈપ કરી રેસ્ટોરાં વિશે માહિતી મેળવી શકે છે. જોકે મુંબઈમાં લગભગ કેટલા રેસ્ટોરાં હશે, જે આ સ્કીમ હેઠળ છે તે કહેવું મુશ્કેલ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
જોકે સરકાર સાથે ગ્રાહકોની પણ ઘણી જવાબદારી છે. આપણે ઘણી બાબતોએ સરકારનો દોષ કાઢીએ છીએ, પણ એક હકીકત એ પણ છે કે સરકારી વ્યવસ્થા અને સિસ્ટમ તેમ જ ગ્રાહક તરીકેના આપણા હકને સમજવામાં આપણે પણ પાછા પડીએ છીએ, જેનો ફાયદો અમુક તકવાદીઓ ઉઠાવી લે છે. તો જાગો ગ્રાહક જાગો. જ્યારે પણ રેસ્ટોરાં સહિત કોઈ રિટેઈલની વસ્તુઓ લેવા જાઓ ત્યારે બિલ ચોક્કસ ચેક કરો. તેઓ આ સ્કીમ હેઠળ હોય તો જીએસટી આપશો નહીં.
રેસ્ટોરાંમાં જમવા જાઓ ત્યારે બિલમાં આ ચેક કરો છો…?
RELATED ARTICLES