એમવીએ સરકારના આદેશો પર સ્ટે મૂકવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી હાઈ કોર્ટમાં દાખલ

આમચી મુંબઈ

મુંબઈ: એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા લેવામાં આવેલી નિમણૂકો અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સંબંધિત પરિપત્રો પર સ્ટે મૂકવાના નિર્ણયને પડકારતી જનહિતની અરજી સોમવારે બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
કેટલાક ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો સહિત પાંચ વ્યક્તિ દ્વારા અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની વર્તમાન સરકારે અગાઉની એમવીએ સરકાર દ્વારા પસાર કરાયેલા આદેશોને રદ કરતા ચાર ઠરાવો બહાર પાડ્યા હતા.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અવરોધિત ઠરાવો અધિકાર ક્ષેત્ર વિનાના છે અને મુખ્ય પ્રધાન (એકનાથ શિંદે) અગાઉની સરકારના નિર્ણયોને રોકી રાખવા અથવા રદ કરવાની સત્તા ધરાવતા નથી, જે કાયદેસર રીતે લેવામાં આવ્યા હતા.
અરજીનો ઉલ્લેખ અરજદારના વકીલ એસ.બી. તાલેકર દ્વારા સોમવારે જસ્ટિસ એસ.વી. ગંગાપુરવાલાની આગેવાની હેઠળની ડિવિઝન બેંચ સમક્ષ કરવામાં આવ્યો હતો. આ અરજીની સુનાવણી અઠવાડિયામાં કરવામાં આવશે, એવું કોર્ટે જણાવ્યું હતું.
વ્યવસ્થિત રીતે રચાયેલી પ્રધાન પરિષદની ગેરહાજરીમાં સરકારે વિકાસલક્ષી પ્રોજેક્ટો પર રોક લગાવવા અને વૈધાનિક બોર્ડ, કમિશન અને સમિતિઓના સભ્યોની નિમણૂકો રદ કરવા જેવા મોટા નિર્ણયો લેવા જોઇએ નહીં, એવું અરજીમાં કહેવામાં આવ્યું હતું. ૨૦થી ૨૫ જુલાઈ વચ્ચે પસાર કરવામાં આવેલા ઠરાવોને પડકારતી અરજી કરવામાં આવી છે.
આ ઠરાવો દ્વારા પ્રોજેક્ટ્સ અને ટેન્ડરો દ્વારા, વૈધાનિક સંસ્થાઓ, સમિતિઓ વગેરેમાં બિનસત્તાવાર સભ્યોની નિમણૂક પર રોક લગાવવામાં આવી હતી. અગાઉની સરકાર દ્વારા લેવામાં આવેલા આદેશો પર સ્ટે આપવો એ કાયદેસર નથી અને ઠરાવોને મનસ્વી રીતે પસાર કરવામાં આવ્યા છે, એવું અરજીમાં જણાવવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.