ભારતમાં રમાનારી મેચ માટે ન્યુટ્રલ લોકેશનની પસંદગી કરવામાં આવશે
નવી દિલ્હીઃ આ વર્ષે સપ્ટેમ્બરમાં મહિનામાં એશિયા કપનું આયોજન માત્ર પડોશી દેશ પાકિસ્તાનમાં થઈ શકે છે. એશિયા કપના આયોજનને લઈને વિવાદ થંભી ગયો છે. એક અહેવાલ મુજબ બીસીસીઆઈ અને પીસીબીની લાંબી ચર્ચા પછી નવા પ્લાન પર મંજૂરીની મહોરી મારવામાં આવી છે, જેમાં પાકિસ્તાનમાં એશિયા કપની મેજબાની કરશે. બીસીઆઈઆઈની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પીસીબીએ વચ્ચેના માર્ગ કાઢ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ભારતની મેચ પાકિસ્તાનમાં નહીં, પણ દુબઈ અથવા ઓમાન એટલે કોઈ ન્યુટ્રલ લોકેશન પર રમાડવાની શક્યતા રહેશે. એશિયા કપની ટૂર્નામેન્ટની મોટા ભાગની મેચ પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારતીય ટીમની જેટલી પણ મેચ હશે એ કદાચ યુએઈ (યુનાઈટેડ અમિરાત), ઓમાન અથવા શ્રીલંકામાંથી કોઈ એકમાં શિફ્ટ થઈ શકે છે.
આ વખતે એશિયા કપ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાશે. 13 દિવસ સુધી ચાલનારી છ ટીમની આ ટૂર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ તેર મેચ રમાડવામાં આવશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ક્વોલિફાય થયા બાદ એક ટીમ તેમની સાથે પહોંચશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે. ભારતીય ટીમ એશિયા કપના પ્રારંભિક તબક્કામાં 2 મેચ રમશે. એક મેચ જીતવા પર ટીમ સુપર-4 સ્ટેજમાં પહોંચી જશે, જ્યાં તેને 3 મેચ રમવાની રહેશે. જો ટીમ ઈન્ડિયા પણ ફાઈનલમાં પહોંચે છે તો તે ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. જો ભારત ફાઇનલમાં પહોંચે તો તે મેચ પણ ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવામાં આવશે.
ન્યુટ્રલ લોકેશનમાં યુએઈ, ઓમાન અને શ્રીલંકા ઉપરાંત ઈંગ્લેન્ડનું નામ પણ સામે આવી રહ્યું છે કારણ કે ઈંગ્લેન્ડમાં ભારત-પાક મેચ જોવા મોટી સંખ્યામાં દર્શકો પહોંચે છે. જોકે, ઈંગ્લેન્ડને યજમાન અધિકાર મળવાની આશા ઓછી છે, કારણ કે એશિયા કપ અને આઈપીએલની મેચો સપ્ટેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં યોજાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં એશિયાનો કોઈ દેશ જ ભારતની મેચોની યજમાની કરે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગયા અઠવાડિયા દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ પાકિસ્તાનમાં એશિયા કપ યોજવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં અંતિમ સ્થળ નક્કી થઈ શક્યું ન હતું, પરંતુ આ બેઠક પછી પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને એસીસી સભ્યો વચ્ચે અનૌપચારિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, એશિયા કપમાં ભારત સિવાય બાકી પાંચ દેશની મેચો માત્ર પાકિસ્તાનમાં જ યોજાશે, પરંતુ ટીમ ઈન્ડિયાની મેચો ન્યુટ્રલ વેન્યુ પર યોજાશે.
ભારત અને પાકિસ્તાન ફક્ત આઈસીસીના મેચમાં જ રમે છે. મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ વર્ષ 2008માં એશિયા કપ બાદ પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. પાકિસ્તાને 2012માં લિમિટેડ ઓવરની સીરિઝ માટે છેલ્લી વખત ભારતનો પ્રવાસ કર્યો હતો.