Homeઆમચી મુંબઈઘાટકોપરમાં મધરાતે પાઈપલાઈનમાં ભંગાણ: લોકોના ઘરમાં ઘૂસ્યાં પાણી

ઘાટકોપરમાં મધરાતે પાઈપલાઈનમાં ભંગાણ: લોકોના ઘરમાં ઘૂસ્યાં પાણી

લાખો લિટર પાણીનો વેડફાટ, અડધું ઘાટકોપર પાણી વગરનું

સમારકામ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને પાણીપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર(પશ્ર્ચિમ)માં અસલ્ફા વિલેજમાં મધરાતે પાઈપલાઈનમાં ભંગાણ પડતા પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. ૪૦૦થી વધુ લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. એ સાથે જ ઘાટકોપર (પશ્ર્ચિમ)માં અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો ખોરવાયો હતો. યુદ્ધના ધોરણે પાલિકાએ સમારકામ હાથ ધર્યા બાદ મોડી સાંજે પાણીપુરવઠો પૂર્વવત થયો હતો.
શુક્રવાર મધરાત બાદ ત્રણ વાગ્યાની આસપાસ ઘાટકોપર હાઈલેવલ રિઝવિયરને પાણીપુરવઠો કરનારી ૭૨ ઈંચની બ્રિટિશ જમાનાની પાણીની પાઈપલાઈનમાં અસલ્ફા વિલેજમાં ગોસાલિયા મસ્જિદ નજીક ચાંદિવલી બ્રિજ પાસે ભંગાણ પડ્યું હતું. તેને કારણે અસલ્ફા વિસ્તારમાં આવેલા ૪૦૦થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.
મધરાતે પાણીની પાઈપલાઈન ફૂટી ત્યારે લોકો ભર ઊંઘમાં હતા. લોકો હજી તો કંઈ સમજે તે પહેલા જ તેમના ઘરમાં પૂરઝડપે પાણી ઘૂસી ગયાં હતાં. અચાનક ઘરમાં ધૂસી આવેલા પાણીને કારણે લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે લોકોના ઘરમાં અને દુકાનોમાં રહેલા સામાનની સાથે જ ટૂ-વ્હિલર પણ પાણીમાં તણાઈ ગયા હતા.
પાઈપલાઈનમાં જ્યાં ભંગાણ પડ્યું હતું ત્યાં પાણીનો ફોર્સ એટલો હતો કે પાણી ૧૦ ફૂટ ઊંચે સુધી ઉપર સુધી ઉછળ્યુું હતું. પાલિકા અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ લોકોને ભારે નુકસાન થયું હતું.
ઘાટકોપર જળાશયમાંથી આવતી પાઈપલાઈનમાં જ ભંગાણ પડ્યું હોવાને કારણે ઘાટકોપરનો લગભગ ૫૦ ટકા વિસ્તાર પાણી વગરનો રહ્યો હતો, જેમાં ખાસ કરીને ‘એન’ વોર્ડમાં ઘાટકોપર(પશ્ર્ચિમ)માં પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે ઘાટકોપર (પૂર્વ) અને એલ.બી.એસ. માર્ગ પર પાણીપુરવઠાને કોઈ અસર વર્તાઈ નહોતી.
નુકસાન થયેલી પાઈપલાઈનનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો ખોરવાઈ જતા પાલિકાએ અમુક વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણીપુરવઠો કર્યો હતો.
આ વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાયો
ઘાટકોપર જળાશય- રામ નગર, હનુમાન નગર, રાહુલ નગર, કૈલાસ નગર, સંજય ગાંધી નગર, શંકર મંદિર, જય મલ્હાર નગર, શિવાજી નગર, આંબેડકર નગર, નિરંકારી સોસાયટી, વર્ષા નગર, એ અને બી કૉલોની, ડી અને સી મ્યુનિસિપલ કૉલોની, રાયગઢ વિભાગ, આનંદગઢ, યશવંત નગર, ગાવદેવી પઠાણ ચાલ, અમૃત નગર, ઈંદિરા નગર એક અને બે, અમિનાબાઈ ચાલ, ગણેશ મેદાન, મૌલાના ક્મ્પાઉન્ડ, હરિપાડા, જગડુશા નગર, કઠોડીપાડા, ભીમા નગર, અલ્તાફ નગર, ગેલ્ડા નગર, ગોળીબાર માર્ગ, નવીન દયાસાગર, જવાહરભાઈ પ્લોટ, સેવા નગર, ઓ.એન.જી.સી. કૉલોની, મઝગાંવ ડૉક કૉલોની, ગંગાવાડી ગેટ નંબર-બે, સિદ્ધાર્થ નગર, આંબેડકર નગર, સાઈનગર નગર, પાટીદાર વાડી, રામાજી નગર, ભટ્ટવાડી, બર્વે નગર, કાજૂ ટેકડી, અકબરલાલા કમ્પાઉન્ડ, આઝાદ નગર, પારસી વાડી, સોનિયા ગાંધી નગર, ખાડી મશીન જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
——–
શિયાળામાં પાઈપલાઈન ફૂટવી સામાન્ય
પાલિકાના અધિકારીના કહેવા મુજબ શિયાળાની મોસમમાં તાપમાનમાં થતા ફેરફારને કારણે જૂની પાઈપલાઈનને નુકસાન થવાનું પ્રમાણ વધુ હોય છે. પાલિકાના અધિકારીના દાવાને જોકે સ્થાનિક રહેવાસીઓએ ફગાવતા કહ્યું હતું કે અસલ્ફા સહિતના વિસ્તારમાં પાઈપલાઈન જૂની અને જર્જરિત હોવાથી અનેક વખત પાણીની પાઈપલાઈન ફૂટવાના બનાવ બનતા
હોય છે.
વળતરની માગણી
ઘાટકોપર (પશ્ર્ચિમ)માં ૭૨ ઈંચની પાઈપલાઈન ફાટવાને કારણે લાખો લિટર પાણી વેડફાયું હતું અને સીધું લોકોના ઘરોમાં અને દુકાનોમાં ઘૂસી ગયું હતું. એક અંદાજ મુજબ લગભગ ૪૦૦ ઘરોમાં પાણી ધૂસી ગયાં હતાં, જેમાં પાલિકા દ્વારા ૧૪૦ ઘરનું પંચનામું કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના ભૂતપૂર્વ નગરસેવક કિરણ લાંડગેના જણાવ્યા મુજબ લોકોના ઘર અને દુકાનમાં પાણી ઘૂસી જવાને કારણે તેમને ભારે માત્રામાં નુકસાન થયું છે, તેથી પાલિકા તરફથી તેમને વળતર આપવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular